Site icon Revoi.in

ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાનગી સોસાયટીઓમાં સફાઈ માટે નાણા અપાશે

Social Share

ભાવનગર: શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરની ખાનગી સોસાયટીઓને સફાઈ કરવા માટે નાણાં આપવાનો ઠરાવ કરાતા વિરોધ ઊભો થયો છે. મ્યુનિના આ નિર્ણયને કારણે સફાઈ કામદારોનું કામ છીનવાઈ જશે અને શોષણ થશે એવી દહેશત સફાઈ કામદાર સંઘ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ભાવનગર મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર શહેર પણ સ્વચ્છ થાય એવા નિયમ સાથે સ્ટેન્ડિંગ કમિટીમાં  ખાનગી સોસાયટીની અંદર સફાઈ કરવા માટે એક દરખાસ્ત મૂકવામાં આવી છે. આવી ખાનગી સોસાયટીઓ જે બીપી એમસી એક્ટ પ્રમાણે 224 નીચે નોધાયેલી હોય તેમજ મ્યુનિ.દ્વારા સોસાયટીઓને મંજુરી મળી હોય તેવી તમામ ખાનગી સોસાયટીઓને  ચો.મી 80 પૈસા અને કોમર્શિયલ વિસ્તારની અંદર પર ચો.મી 65 પૈસા એવું દર મહિને મ્યુનિ. દ્વારા અનુંદાન અપાશે. ખાનગી સોસાયટીઓમાં સફાઈ કરવા કરાવવાની જવાબદારી જે તે સોસાયટીના એસોસિએશનની રહેશે. મ્યુનિ. દ્વારા સફાઈ થાય એનું સર્ટિફિકેટ મળ્યા પછી એમની નિયત કરેલા બેંક ખાતામાં  અનુદાનની રકમ જમા કરાવાશે.

શહેરની ખાનગી સોસાયટીઓમાં સફાઈની સ્કીમ સામે સફાઈ કામદારોનો વિરોધ થઈ રહ્યો છે તે અંગે ચેરમેને વધુમાં કહ્યું હતું કે, આમાં કોઈ પણ સફાઈ કામદારને કાઢવાની પણ વાત નથી. અમારૂ જે મેહકમ છે એ 1286  કામદારોનું મહેકમ બનેલું છે. અને 980  સફાઈ કામદારો કાયમી રોજમદાર કામ તરીકે કામ કરી રહ્યા છે. દરમિયાન ભાવનગર મઝદૂર સંઘના સફાઈ કામદાર સંઘના પ્રમુખ જીવણભાઈએ જણાવ્યું હતું કે, ખાનગી રીતે જો કામ આપશે તો ઘણા સફાઈ કામદાર નવરા બેઠશે અને ખરાબ પરિસ્થિતિ ઉભી થશે. મ્યુનિએ પોતાની ખાલી જગ્યા ખાલી નહિ ભરવા માટેના પેતરા છે. યેનકેન પ્રકારે આ રીતે ખાનગી સોસાયટીઓને આપવાથી કોન્ટ્રાક્ટરો પાસે કામ કરાવશે જેથી સફાઈ કામદારને કામ ઓછું મળશે અને ખાનગી સોસાયટીઓ પોતાના મનસ્વી પ્રમાણે કામ કરાવશે.