ભાવનગર મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગનું દવા ખરીદી કૌભાંડ, 78 લાખનો હિસાબ મળતો નથી
ભાવનગરઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા દવા ખરીદવામાં કથિત કૌભાંડના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. કોરોના કાળ સમયે મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં ખરીદાયેલી દવાઓ અને ચીજવસ્તુઓનો આજ સુધી તાળો મળતો નથી. વર્ષ 2020-21 દરમિયાન 13 આરોગ્ય કેન્દ્રમાં બબ્બે લાખના ત્રણ હપ્તે રૂ. 78 લાખ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવ્યા હતાં. જેનો આજ સુધી કોઈ હિસાબ આપવામાં ન આવતા ઓડિટ વિભાગ દ્વારા આરોગ્ય કેન્દ્રોમાં જઇ તપાસ હાથ ધરતા અનેક ગેરરીતિ અને ગંભીર બેદરકારીઓ પ્રકાશમાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના સમયે સરકારમાંથી જરૂરી દવા અને અન્ય ચીજવસ્તુઓ નહીં આવતા અથવા મોડી આવતા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના લોકોને મુશ્કેલી ના પડે તે માટે સક્ષમ સત્તા દ્વારા તાત્કાલિક ખર્ચ મંજુર કરવામાં આવતા હતાં. તેવી જ રીતે આરોગ્ય વિભાગ દ્વારા માગણી કરતા ઓકટોબર 2020 થી મે 2021 દરમિયાન મ્યુનિ.સંચાલિત 13 હેલ્થ સેન્ટરમાં ત્રણ વાર બબ્બે લાખ એટલે કે, દરેક કેન્દ્રને છ છ લાખ મળી કુલ રૂ. 78 લાખ ચુકવ્યા હતાં. આ 78 લાખમાંથી શું ખરીદ કર્યું તેનો હિસાબ ઓડિટ વિભાગ દ્વારા માગતા તત્કાલીન સમયે પણ આરોગ્ય વિભાગ દ્વારા હિસાબ અપાયો ન હતો. ત્યાર બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ હિસાબ નહીં આપાતા ગંભીર બેદરકારી અંગે કાર્યવાહી કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હજુ સુધી હિસાબ ન અપાતા સ્ટેન્ડિંગ કમિટીનાની સુચના બાદ ચીફ ઓડિટર અને તેની ટીમે તમામ આરોગ્ય કેન્દ્રમાં રૂબરૂ જઈ મ્યુનિ. દ્વારા ફાળવેલી રકમ અને તેમાંથી ખરીદ કરેલી દવાઓ અને ચીજવસ્તુઓની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. પરંતુ આરોગ્ય કેન્દ્રમાં પણ વપરાશનો કોઈ હિસાબ નથી. દર્દીઓને અપાતી દવાઓનું રજીસ્ટર મેન્ટેન નહીં કરાતા ગંભીર બેદરકારી બહાર આવી હતી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર મ્યુનિ.ના ચીફ ઓડિટર દ્વારા કરાયેલી તપાસમાં અનેક અનિયમિતતા જોવા મળી હતી જેમાં વેપારી બિલમાં આઈટમનો ભાવ દર્શાવેલો નથી. આરોગ્ય કેન્દ્રોમાં બેલેન્સ હોવા છતાં વધુ રકમનો ઉપાડ કરવામાં આવ્યો હતો. દવાના સ્ટોકની આવક રજીસ્ટરમાં એન્ટ્રી કરવામાં આવી નથી.તેમજ જૂનો સ્ટોક ગણતરીમાં આગળ ખેંચેલો નથી. સ્ટોક હોવા છતાં ડિમાન્ડ ઊભી કરવામાં આવી હતી. સરકારમાંથી આવેલી દવા પડી હોવા છતાં તે જ દવાની વધુ ખરીદી કરવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં ફાળવેલી રકમમાંથી ગ્લોઝ, માસ્ક, દવા, ટેબલ, ખુરશી, થર્મોમીટર, વેક્સિનેશનના કાર્યક્રમમાં ભોજન નાસ્તો, કેલ્સીયમ ટેબલેટ, વ્હિલચેર સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. પરંતુ ખરીદ કરેલી વસ્તુના વપરાશનો કોઈ હિસાબ જ નથી. આરોગ્ય કેન્દ્રોમાં 2 લાખથી વધુ જમા હતી, છતાં ત્રીજો હપ્તો ઉપાડ્યો હતો.
આરોગ્ય વિભાગને સક્ષમ સત્તા દ્વારા ત્રણ હપ્તે 78 લાખની મંજુરી આપવામાં આવી હતી. પરંતુ ઓકટોબર 2020 અને એપ્રિલ 2021 માં રૂ.26 લાખ ફાળવ્યા બાદ તત્કાલીન સમયે મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં બે લાખ કરતા વધુ રકમ જમા જ હતી જેનો ઉપયોગ થયો હતો નહીં છતાં બીજા જ મહિને મે 2021માં 13 કેન્દ્રોમાં રૂ. 26 લાખ એડવાન્સ હેડે ઉપાડ્યા હતાં. અને ત્યારબાદ ઉપાડેલી રકમનો વપરાશ નહીં થતાં તે રકમ ટ્રેઝરીમાં પણ જમા કરાવી ના હતી.