ભાવનગર રેલવે ડિવિઝને એક વર્ષમાં ટિકિટ ચેકિંગ દરમિયાન રૂપિયા 5.30 કરોડનો દંડ વસુલ્યો
ભાવનગરઃ વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને ટિકિટ ચેકિંગ ઝુંબેશ દરમિયાન એક વર્ષમાં વગર ટિકિટએ પ્રવાસ કરનારા પાસેથી 5.30 કરોડ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો. આ સિવાય રેલવેના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.
ભાવનગર રેલવે ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂકે અહેમદે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24માં ટ્રેનોમાં વગર ટિકિટે મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેથી 5.30 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો એક વર્ષમાં સમયાંતરે હાથ ધરેલી ચેકિંગ ઝૂંબેશ દરમિયાન કુલ 79,737 કેસ નોંધાયા હતા, જેમાંથી કેટલાક એવા મુસાફરો હતા જેઓ ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા. આ સિવાય રેલવેના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં સારીએવી સફળતા મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેનોમાં પ્રવાસીઓને યોગ્ય ટિકિટ પર મુસાફરી કરવા વિશે જાગૃત કરવામાં આવે છે. છતાં ઘણા પ્રવાસીઓ વગર ટિકિટે મુસાફરી કરતા હોય છે. અને તેમની પાસેથી ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા નિયમ મુજબ દંડ વસુલવામાં આવે છે. વેઇટિંગ લિસ્ટ ઈ-ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી નથી. એ જ રીતે પ્લેટફોર્મ ટિકિટ પણ મુસાફરી માટે માન્ય નથી. તેથી, વેઇટિંગ લિસ્ટ ઇ-ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ સાથે મુસાફરી કરશો નહીં. પ્રવાસ દરમિયાન કોઈ અસુવિધા ન થાય તે માટે ટિકિટ સાથે જ મુસાફરી કરવી જોઈએ.
ભાવનગર રેલવે ડિવિઝનના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ અને સહાયક વાણિજ્ય પ્રબંધક કલ્પેશ જી.દવેની દેખરેખ હેઠળ ઘણી વખત ખાસ ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શરદ વર્મા, મુખ્ય ટિકિટ નિરીક્ષક-ભાવનગરની પણ આમાં મહત્વની ભૂમિકા હતી. આ ઝુંબેશ દરમિયાન, ટિકિટ વિના મુસાફરી કરતા, અયોગ્ય ટિકિટ અને બુક વગરનો સામાન લઈ જતા મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.