Site icon Revoi.in

ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા લોકો પાયલોટ સહિત સ્ટાફ માટે AC રેસ્ટરૂમ બનાવાયા

Social Share

ભાવનગરઃ ટ્રેનોના લોકો પાયલોટ અને સ્ટાફને રેલવે સ્ટેશનો પર જ આરામની સુવિધા મળી રહે તે માટે ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વાતાનુકૂલિત રેસ્ટ રૂમ બનાવવામાં આવી રહ્યા છે. રેલ્વે ક્રૂ મેમ્બરો જેમ કે લોકો પાઇલોટ, ટ્રેન મેનેજર વગેરેને રનીંગ રૂમ અથવા રેસ્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ડ્યુટી પૂરી થયા પછી, લોકો પાઇલટ સહિત તમામ રનિંગ સ્ટાફ સંપૂર્ણ આરામ કરી શકે તે માટે ભાવનગર ટર્મિનસ, જેતલસર, જૂનાગઢ, વેરાવળ, પોરબંદર અને બોટાદ ખાતે લોબી તથા મહુવા, પીપાવાવ પોર્ટ, અમરેલી, પોરબંદર, વેરાવળ અને દેલવાડા ખાતે એરકન્ડિશન્ડ રનિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગર રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  રેલવે સ્ટેશનો પર રેસ્ટ રૂમને લીધે લોકોપાઇલોટ સહિતના સ્ટાફ તેમની ડ્યુટી પછી આરામ કરી શકે છે. આ સુવિધાઓ સામાન્ય રીતે મોટા રેલ્વે સ્ટેશનો અને કેટલાક જંકશન સ્ટેશનો અથવા ઇન્ટરચેન્જ પોઈન્ટ પર જોવા મળે છે જ્યાં ક્રૂ તેમના સુનિશ્ચિત ફરજના કલાકો પછી સાઇન ઓન/સાઇન ઓફ કરે છે. આ રનિંગ રૂમમાં ઘણી સુવિધાઓ અને સવલતો પૂરી પાડવામાં આવે છે, જેથી કર્મચારીઓ યોગ્ય આરામ અને વિશ્રામ કરી શકે. આ સ્ટેશનો પર એક ક્રૂ લોબી પણ આપવામાં આવે છે જ્યાં લોકો પાઇલોટ, ટ્રેન મેનેજર તેમની ફરજો શરૂ અથવા સમાપ્ત કરે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રેલવે સ્ટેશનો પરના રેસ્ટરૂમમાં તમામ સ્ટાફ માટે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે. મુલાકાતી ક્રૂ સારી રીતે આરામ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે, બધા રનિંગ રૂમમાં કેરમ બોર્ડ, ચેસ, ટેલિવિઝન, કપડાં ધોવાની સુવિધાઓ અને જૂતા સાફ કરવા માટેના મશીનો સાથે એર-કન્ડિશન્ડ રિક્રિએશન રૂમ છે. આ ઉપરાંત યોગ અને ધ્યાન માટે યોગ રૂમની પણ સુવિધા છે. મહિલા લોકો પાયલોટ માટે એક અલગ રૂમ પણ ઉપલબ્ધ છે, જેમાં એટેચ ટોયલેટ છે. આ રીતે ભાવનગર રેલવે ડિવીઝન દ્વારા કર્મચારીઓ માટે જુદી જુદી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.