ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં આગ લાગે ત્યારે જ કૂવો ખોદવો એવો વહિવટ છે, શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. છતાં શહેરના વસતી અને વિસ્તાર પ્રમાણે ફાયર સ્ટેશનોની સંખ્યા નથી, શહેરમાં 8 લાખની વસતી પ્રમાણે 16 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેના બદલે માત્ર એક જ ફાયર સ્ટેશન કાર્યરત છે. અને એક ફાયર સ્ટેશનમાં પણ પુરતો સ્ટાફ નથી.
ભાવનગર શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી મામલે કડક પગલા લેવાય રહ્યા છે. અનેક મિલકતો સીલ પણ કરવામાં આવી છે. જ્યારે મ્યુનિ. પાસે જ ફાયર માટેનું પુરતુ ઈન્ફાસ્ટ્રક્ચર નથી. ફાયરબ્રિગેડ સ્ટેશનોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારીને સ્ટાફની ઘટ પુરી કરવી જરૂરી છે. શહેરનું મુખ્ય ફાયર સ્ટેશન નિર્મળનગરમાં આવેલુ છે. શહેરના 31 કિ.મી.ના ફરતા વિસ્તારોમાં નિર્મળનગરથી ફાયરબ્રિગેડના બંબાને પહોંચવા માટે સરેરાશ 10 કિ.મી.નું અંતર કાપવુ પડે છે. સામાન્ય રીતે 50 હજારની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે. ભાવનગરની 8 લાખની વસ્તીમાં 16 જેટલા ફાયર સ્ટેશનોની જરૂર છે. જેની સામે હાલ માત્ર એક નિર્મળનગરમાં આવેલુ ફાયર સ્ટેશન જ કાર્યરત છે. પ્રભુદાસ તળાવનું ફાયર સ્ટેશન બંધ છે.આ ઉપરાંત એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ ઝડપથી પહોંચી શકે તે માટે દબાણો દૂર કરીને રસ્તાઓ પહોળા કરવા જાઈએ.
બીએમસીના સૂત્રોના કહેવા મુજબ મ્યુનિ.ના ફાયર વિભાગમાં ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસરથી માંડી સબ અને સિનિયર ઓફિસરોની ઘટ છે. ઉપરાંત ડ્રાઈવર, કલાર્ક, પટ્ટાવાળા, સફાઈ કામદાર જેવો સ્ટાફ પુરતો નથી. તેના લીધે ભાવનગરમાં ફાયર સ્ટેશન માત્ર નામ પુરતુ જ હોય તેવી સ્થિતિ છે. જોકે મ્યુનિ.દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે. કે, ફાયર બ્રિગેડનું પ્રભુદાસ તળાવનું બંધ પડેલ સ્ટેશન સત્વરે શરૂ કરી દેવામાં આવશે. ફાયર બ્રિગેડ સ્ટાફનું જુનુ સેટઅપ રીવાઈઝ કરી નવું સેટઅપ ગત વર્ષે કર્યુ છે. જે મુજબ સ્ટાફ મુકાશે. ઝોનલ ઓફિસોએ બંબા સ્ટેન્ડબાય રખાય છે એટલે આગના બનાવે શહેરની ચારે દીશામાં પ્રાથમિક બચાવ કાર્ય તરત થઈ શકે તેમ છે. શહેર વિસ્તારમાં દબાણ અંગે પગલા ભરી રસ્તા પહોળા કરાશે. શહેરમાં ફાયરબ્રિગેડ સ્ટેશન એક જ છે પણ 2 ઝોનલ ઓફિસ ઉપર પણ બંબાઓ સ્ટેન્ડબાય રાખીએ છીએ એટલે કોઈ તકલીફ પડતી નથી.