Site icon Revoi.in

ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને પુરતી દવાઓ મળતી ન હોવાથી બહારથી લાવવી પડે છે

Social Share

ભાવનગરઃ શહેરની સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને પુરતી દવાઓ આપવામાં આવતી ન હોવાથી બહારથી ખરીદવાની ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. હોસ્પિટલને સરકાર દ્વારા દર વર્ષે 15 કરોડની ગ્રાંટ આપતી હોવા છતાં મોટાભાગના દર્દીઓને બહારથી દવા લખી આપવામાં આવે છે. મેડિકલ સ્ટોર સાથેની સાંઠગાંઠને કારણે ચોક્કસ મેડિકલમાંથી મળતી દવાઓ જ ડોકટરો લખી આપે છે.

બીજી બાજુ સ્ટોર વિભાગમાં જીવન રક્ષક જેવી મહત્વની દવાઓનો સ્ટોક પણ ખાલી જ રહે છે. દવાઓની ખરીદી માટે સરકારે ઈમરજન્સીના અનેક પાવરો અધિક્ષકને આપ્યા હોવા છતાં દવા દર્દીઓને મળતી નથી એટલું જ નહીં ઈનડોર પેશન્ટના દર્દીઓના સગાઓને દર્દીને મુકી દૂર સુધી દવા લેવાનો ધક્કો ખાવો પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર જિલ્લાની સરકારી સૌથી મોટી સર ટી. હોસ્પિટલમાં અમરેલી અને બોટાદ જિલ્લાના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. માત્ર ઓપીડીમાં જ રોજિંદા 1000થી 1200 જેટલા દર્દીઓ હોય છે. હોસ્પિટલના 50 ટકાથી વધુ દર્દીઓને ડોકટર બહારની દવા લખી આપે છે. આ દવા પણ બધા મેડિકલે નહીં ચોક્કસ મેડિકલે જ મળતી હોય છે. આ અંગે જુદા જુદા બેથીત્રણ ડોકટરોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, ‘આ દવાનો હોસ્પિટલમા સ્ટોક નથી હોતો એટલે અમારે ના છૂટકે મેડિકલ સ્ટોરમાંથી દવા લાવવાનું કહીંને દવા લખી દેવી પડે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલના સ્ટોર વિભાગમાં સરકારી નિયમ મુજબ જરૂરી EDLની દવાઓનો સ્ટોક ત્રણ મહિનાનો રાખવાનો હોય છે. પરંતુ સમયસર ખરીદી નહીં થતા આ નિયમ જળવાતો નથી. ટેન્ડર અને ખરીદી અંગે સિવિલ સર્જને હવે મહિનાનો સ્ટોક બાકી હોય ત્યારે જ ઓર્ડર અપાય જતો હોવાનો દાવો કર્યો હતો. સ્ટોર વિભાગમાંથી દવાઓ બારોબાર પગ કરી જતી હોવાની ફરિયાદો પણ ઊઠવા પામી છે. રાજ્ય સરકાર દર મહિને એક કરોડથી વધારે ગ્રાંટ આપે છે ત્યારે આ ગ્રાંટનો હેતુ દર્દીઓને દવા નહીં મળતી હોવાથી જળવાતો નથી. દરમિયાન હોસ્પિટલના સત્તાધિશોએ દવાની પુરતી ખરીદી કરવામાં આવે છે. અને દવાની કોઈ અછત નથી. એવો દાવો કર્યો હતો. (File photo)