ભાવનગરઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે.શાળા-કોલેજોમાં 20મી ઓકટોબરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. ઘણાબધા પરિવારોએ વેકેશનમાં ફરવા જવા માટેનો પ્લાન બનાવી દીધો છે. જો કે દિવાળી પહેલા જ હાલ એસટી બસોમાં પ્રવાસીઓની સારીએવી ભીડ જોવા મળી રહી છે. ત્યારે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં મુસાફરો માટે 20થી 22 ઓક્ટોમ્બર દરમિયાન સુરત માટે 125 એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે જેનું બૂકીંગ આઠ ડેપોમાંથી એડવાન્સ બૂકિંગ કરીને લાભ લઈ શકાશે.
ભાવનગર અને બોટાદ જિલ્લાના ધણાબધા પરિવારો રોજગાર ધંધા માટે સુરતમાં સ્થાયી થયા છે. દિવાળીના પર્વમાં પરિવારો પોતાના માદરે વતન આવતા હોય છે. ત્યારે ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા.20 થી 22 ઓક્ટોમ્બર દરમિયાન સુરત માટે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં ડેપો ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારીયાધાર, ગઢડા, બોટાદ અને બરવાળાથી સુરત માટે આવતા જતાં બન્ને તરફ એકસ્ટ્રા એસ.ટી.બસો દોડાવવાનો નિર્ણય વામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રાફિકની માંગ ધ્યાને લઈ એસટી બસો પ્રથમ દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ તરફ સંચાલન કરવામાં આવશે જેનું ઓનલાઇન બૂકિંગ શરૂ કરવામાં આવ્યુ છે. વધુમાં 50 જેટલા મુસાફરો એક સાથે ગ્રુપ બૂકિંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તારથી એસ. ટી. બસોની ફાળવણી કરવામાં આવશે. સુરતથી ભાવનગર અને બોટાદ જિલ્લામાં દિવાળીના પર્વ પર આવવા માગતા સુરતના પ્રવાસીઓ ગૃપ બુકિંગ કરાવશે તો તેમને પોતાના ગામ સુધીની એકસ્ટ્રા બસની સુવિધા પુરી પાડવામાં આવશે. ઉપરાંત એસટી બસનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે.