ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધિશોએ કેટલાક સંલગ્ન કાઉન્સિલની માન્યતા વિના જ બાહ્ય અભ્યાસક્રમો શરૂ કર્યા હતા. જેમાં ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલે મંજુરી વિના ચલાવાતા આવા અભ્યાસક્રમોને ગેરકાયદે ઠરાવતા ભાવનગર યુનિ.ના 15 હજાર વિદ્યાર્થીના ભાવી સાથે પ્રશ્નાર્થ ઊભો થયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે ચાલી રહેલા બાહ્ય અભ્યાસક્રમોની માન્યતા અંગે અનેક સવાલો ચાલી રહ્યા છે, જેમાં મુખ્ય તો પ્રશ્ન એ છે કે ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલ એટલે કે DECની માન્યતા વગર આ તમામ બાહ્ય અભ્યાસક્રમો ચાલી રહ્યા છે જેને આ કાઉન્સિલે ગેરકાયદેસર ગણાવ્યા છે. આથી ભાવનગર યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમના વિવિધ વિદ્યાશાખામાં ભણી રહેલા 15,000 જેટલા વિદ્યાર્થીઓના ભાવિ ઉપર પ્રશ્નાર્થ જાગ્યો છે. યુજીસી દ્વારા તો ડીઇસીની માન્યતા વગર ચલાવતા આ પ્રકારના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન લેવા તાકીદ પણ કરવામાં આવી છે. આ સંજોગોમાં તાજેતરમાં યુજીસી દ્વારા એક નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી. દરમિયાનમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં આ મામલે કમિટીની રચના તો કરવામાં આવી છે પરંતુ સત્તાધીશો દ્વારા બાહ્ય અભ્યાસક્રમ કમાઉ દીકરો હોય આ બાબતે આંખ કાન કરવામાં આવી રહ્યા છે. આ ભવનને લીધે યુનિ.ને ફીને લીધે દર વર્ષે અંદાજે રૂા.સાડા ચાર કરોડની માતબર રકમ મળે છે. યુનિવર્સિટીના એક્સ્ટર્નલ ડિપાર્ટમેન્ટ દ્વારા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે પરંતુ આ અભ્યાસક્રમોને ડિસ્ટન્સ એકેશન કાઉન્સિલની માન્યતા નથી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધીશોએ આ મામલે ભૂતકાળમાં પણ ડો. દિલીપ બારડ અને ડો. ગિરીશભાઇ વાઘાણીની કમિટીની રચના કરી હતી પરંતુ તેમના રિપોર્ટ કે કોઈ પગલા લેવાયા નહી. બાહ્ય અભ્યાસક્રમ જે કમાઉ દીકરો હોય આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. હાલની નોટિસ પછી ફરી એકવાર યુનિવર્સિટીના સત્તાધીશોની આંખ ઉઘડી હોય તેમ તાજેતરમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક મળી ત્યારે ફરી એકવાર કમિટીની રચના કરવામાં આવી છે જેમાં ડો. ગિરીશભાઈ વાઘાણી અને પ્રિ.ડો. હેતલબહેન મહેતાની નિયુક્તિ કરવામાં આવી છે. જોકે એનો રિપોર્ટ પણ આજે દિન સુધી સબમીટ કરવામાં આવ્યો નથી. રાજ્યની અન્ય યુનિવર્સિટીઓએ ડિસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સિલની માન્યતા વગર ચાલતા મોટાભાગના બાહ્ય અભ્યાસક્રમો બંધ કરી દીધા છે, જો યુનિવર્સિટીને ભવિષ્યમાં NAACનો સારો ગ્રેડ મેળવવો હશે તો તાત્કાલિક આ બાહ્ય અભ્યાસક્રમોની માન્યતા અંગે વિચારવું પડશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, યુનિ. દ્વારા બાહ્ય અભ્યાસક્રમ માટે ડીઇસીની માન્યતા મળી જાય તે માટે સઘન પ્રયાસ ચાલ રહ્યાં છે અને આ માટે બે સભ્યોની કમિટિની રચના પણ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે. આ કમિટિના રિપોર્ટ અને ડીઇસીની માન્યતા માટે પ્રયાસ આગળ વધી રહ્યાં છે. હકીકતમાં બાહ્ય અભ્યાસક્રમ માટે એક ચોક્કસ આંતરિક મૂલ્યાંકનનું માળખું હોય છે જેમાં જુદા જુદા તબક્કે એસાઈમેન્ટનો સમાવેશ થાય છે. પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બાહ્ય અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે આવી કોઈ જ આંતરિક મૂલ્યાંકન પદ્ધતિ નથી જે જોખમી બાબત ગણી શકાય.