ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં અષાઢના પ્રારંભથી જ સારોએવો વરસાદ પડ્યો છે. તેના લીધે જિલ્લાના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ભાવનગર શહેરના પાણી પુરૂ પાડતો જિલ્લાનો સૌથી મોટો શેત્રુંજી ડેમ તથા ગૌરીશંકર સરોવર યાને બોર તળાવની જળ સપાટીમાં વધારો થતા હવે ભાવનગર શહેરના આખુ વર્ષ ચાલે તેટલો પાણીનો પુરવઠો જમા થઈ ગયો છે. એટલે કે આ વર્ષે તો ચોમાસાના પ્રારંભે જ ભાવનગર શહેરના લોકોને આખું વર્ષ પાણી મળી રહે તેટલું પાણી શેત્રુંજી અને બોરતળાવમાં ભરાઈ ગયું છે. શેત્રુંજી ડેમમાં 22 ફુટ અને બોરતળાવમાં 33 ફુટ પાણી હોય એટલે આખુ વર્ષ ભાવનગરના શહેરીજનોને પાણી મળી રહે જે હાલમાં શેત્રુંજી ડેમ 26 ફુટ કરતા વધારે અને બોરતળાવમાં 34 ફુટ કરતા વધુ પાણી ભરાયેલું છે.
ભાવનગર શહેર માટે પીવાના પાણીના સ્ત્રોતમાં મુખ્યત્વે મહી પરીએજ ઉપરાંત સ્થાનિક કક્ષાએ શેત્રુંજી અને બોરતળાવ છે. આ વર્ષે ઉનાળામાં પણ બોરતળાવ અને શેત્રુંજી ભર્યા રહેતા પીવાના પાણીની મુશ્કેલી નહિવત્ રહી હતી. મ્યુનિ. કોર્પોરેશન વોટર વર્કસ વિભાગ દ્વારા આગોતરા આયોજનના કારણે વરસાદી પાણીના પાણી દરિયામાં વેડફાયુ નહીં, અને બોરતળાવનું લેવલ પણ જળવાયું છે. માલેશ્રી નદીમાં જરૂરિયાત પૂરતું છોડતા 300 જેટલા કુવા સજીવન થયા હતા. અને આસપાસના ગામોમાં ખેતીલાયક 800 એકર જમીનને પણ ફાયદો થયો હતો. હાલ ચોમાસાનો પ્રથમ તબક્કો શરૂ છે ત્યાં ભાવનગર શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત શેત્રુંજી ડેમ અને બોરતળાવમાં હાલમાં પાણીનું લેવલ એટલું થયું કે, ભાવનગરના શહેરીજનોને આખું વર્ષ પાણી પૂરું પાડી શકાય. બોરતળાવમાંથી સામાન્યતઃ 25 એમએલડી પાણી લેવામાં આવે છે. જે મુજબ વર્ષ દરમિયાન 300 એમસીએફટી પાણીની જરૂરિયાત રહે. એટલે કે, બોરતળાવમાં 33 ફૂટ પાણીની સપાટી આવે એટલે આખું વર્ષ પાણીની નીરાંત રહે. એ જ રીતે શેત્રુંજી ડેમમાંથી 90 એમએલડી પાણી લેવામાં આવે છે જે મુજબ વર્ષ દરમ્યાન 3200 એમસીએફટી એટલે કે, 22 ફૂટ નું લેવલ હોય તો આખું વર્ષ પાણીની મુશ્કેલી ન રહે. હાલમાં બોરતળાવમાં 34.4 ફૂટ અને શેત્રુંજીમાં 27 ફુટની પાણીની સપાટી છે. જેથી ભાવનગરીઓને આખા વર્ષની પાણીની ચિંતા ટળી ગઇ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગરના વોટર વિભાગ દ્વારા ગત ચોમાસામાં બોરતળાવના ઉપરવાસમાંથી આવતા પાણીનું સુચારુ આયોજન કરતા અને ભીકડા ડેમના દરવાજાનું સમયસર ખોલ બંધ કરતા ભીકડામાં પણ પાણી રહ્યું. વરસાદી પાણી કંસારા મારફત વેસ્ટ પણ ન ગયું. અને બોરતળાવમાં પણ આખુ વર્ષ પાણી લેવા થતાં છેલ્લું લેવલ 32.4 ફુટ રહ્યું હતું. એટલે કે ચોમાસુ શરૂ થયું અને બોર તળાવમાં છઠ્ઠી જુલાઈથી વરસાદી પાણીની આવક શરૂ થઈ ત્યારે 32.4 ફૂટ પાણીનું લેવલ રહ્યું હતું.