Site icon Revoi.in

ભાવનગરનો અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગ 45 દિવસથી બંધ હોવાથી કરોડોનું નુકશાન

Social Share

ભાવનગર : કોરોનાને કારણે અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને પણ ગ્રહણ લાગ્યુ છે.  ઓક્સિજનના પુરવઠાના વાંકે પાછલા 45 દિવસથી બંધ પડેલો અલંગનો શીપ બ્રાકિંગ ઉદ્યોગ હજુ તત્કાળ શરૂ થાય એવા કોઇ ચિહ્નો મળતા નથી. દિવસ-રાત ધમધમતો અલંગનો જહાજવાડો અને રિસાયક્લિગ બજારમાં સૂનકાર ભાસી રહ્યો છે. જહાજ કાપવા માટે એલપીજી અને ઓક્સિજનની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય છે પણ ઓક્સિજનનો પુરવઠો કોરોના દર્દીઓ માટે હોસ્પિટલોને ફાળવી દેવાતા હજુ આ ઉદ્યોગને પ્રાણવાયુ મળે તેમ નથી. અલબત્ત કોરોનાના કેસ ઓછાં થઇ રહ્યા છે છતાં ઓક્સિજન અપાતો નથી એ મુશ્કેલી છે.

અલંગ રિસાયક્લર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યુ હતુ કે,  અલંગમાં જહાજ કાપવાનું કામકાજ સદંતર બંધ છે. નવો માલ આવતો નહીં હોવાથી બજારમાં પણ રોનક રહી નથી. ભાવનગરમાં ઓક્સિજન ઉત્પાદકો પાસે હવે વાયુનો સ્ટોક રિઝર્વ છે અને ઘણી વખત તો હવામાં ઉડી જાય છે છતાં હજુ અલંગને આપવાનું આયોજન થતું નથી એ દુ:ખદ છે. જોકે શીપ બ્રેકરોની આ મુદ્દે સરકારમાં કોઇ રજૂઆત થઇ નથી. સ્થાનિક તંત્ર વ્યવસ્થા ગોઠવે તેની રાહ જોવાઇ રહી છે. ઉત્પાદકો પાસે અત્યારે સરપ્લસ ઓક્સિજન છે પણ તેઓની પાસે જહાજવાડાને પૂરો પાડવાની મંજૂરી આવી નથી. અલંગ જહાજવાડામાં એપ્રિલમાં 12 અને મે મહિનામાં 8 જેટલા નાના અને મધ્યમ જહાજો આવ્યા છે. તે ભાંગ્યા વિના જેમના તેમ પડેલા છે.

અત્યારે કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની ખપત ઘટી છે એટલે ઉદ્યોગને પચ્ચાસ ટકા પુરવઠો આપવામાં આવે તો પણ કટીંગનું કામકાજ શરૂ થઇ જાય એવી શીપબ્રેકરોની લાગણી છે. 45 દિવસથી બંધ પડેલા ઉદ્યોગમાં અત્યારે તો કરોડોની નુક્સાની જઇ રહી છે. જહાજો આવેલા પડ્યા છે. બેંકોના વ્યાજ ચડતા જાય છે. જહાજના પેમેન્ટની સાઇકલ ખોરવાઇ ગઇ છે. બેંકોમાંથી શીપ બ્રેકરો વધુ સીસી લઇ રહ્યા છે. કારણકે સ્થિર ખર્ચા મોટાં છે. મજૂરો પાસે જ્યાં કામ નથી અને બિનકાયમી છે તે વતન જતા રહ્યા છે પરંતુ કાયમી કર્મચારીઓને સાચવીને પગાર પણ ચૂકવવા પડે છે એટલે નુક્સાની છે. જહાજ ભાંગતા નથી એટલે લાડિંગ અને અનલાડિંગનું કામકાજ પણ અટકી પડ્યું છે. અલંગનો માલ જ્યાં જાય છે ત્યાં બધે જ મંદી વ્યાપેલી છે. કારણકે નવો માલ ન આવતા વેપાર ઠપ થઇ ગયેલો છે. અગાઉ આવેલો મોટાંભાગનો માલ વેચાઇ ગયેલો છે એટલે હવે જહાજો કપાતા થાય તેની રાહ ઉદ્યોગ જોવે છે.