Site icon Revoi.in

ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ઉનાળુ પાકની ધુમ આવક, સારા ભાવથી ખેડુતોને રાહત

Social Share

ભાવનગર:  જિલ્લાના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું પાકની લારીએવી આવક થઈ રહી છે. જેમાં મહુવા માર્કેટ યાર્ડમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી પાકને લઈ વેચવા આવી રહ્યા છે. ખેડૂતોને સારી ક્વોલીટીની મગફળીમાં મણના 2,095 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી .મહુવા માર્કેટ યાર્ડ મગફળીનો નીચો ભાવ 1,300 રૂપિયા રહ્યો હતો. મહુવા માર્કેટ યાર્ડમાં આજે કુલ 73 ગુણી મગફળીની આવક નોંધાઈ હતી. આ સિવાય જિલ્લાના તળાજા, ભાવનગર સહિતના માર્કેટ યાર્ડમાં પણ વિવિધ પાકની સારી આવક થઈ રહી છે.

મહુવા માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળી, રાજગરો, ઘઉં, તલ, બાજરી, ચણા, અજમા, નારિયેળ, ડુંગળી,વગેરેની આવક વધી છે. મહુવા માર્કેટીંગ યાર્ડમાં સારી એવી આવક શરૂ થઈ જતા હાલ યાર્ડમાં મગફળી પાકની 73 ગુણી આવક થઇ છે. યાર્ડમાં બાજરીની અંદાજિત 327 ગુણી તેમજ તલ 59 ગુણી ઉપરાંત ઘઉં અને કપાસની આવક થઈ હતી.

આ ઉપરાંત યાર્ડમાં લાલ ડુંગળીના 3,342 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 66 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 359 રૂપિયા સુધીના રહ્યા હતા.નારિયેળના 41,350 નંગની આવક થઈ હતી. 100 નંગના નીચા ભાવ 550 રૂપિયા અને ઉંચા ભાવ 1,840 રૂપિયા રહ્યા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાના 87 કટ્ટાની આવક થઈ હતી. જેના એક મણના નીચા ભાવ 841 રૂપિયા અને ઊંચા ભાવ 975 રૂપિયા સુધીના રહ્યા હતા.

ભાવનગર ઉપરાંત અનરેલી જિલ્લાના માર્કેટ યાર્ડમાં પણ ઉનાળું પાકની સારીએવી આવક થઈ રહી છે. જેમાં સાવરકુંડલા યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ રહી છે. ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા છે. હાલ યાર્ડમાં તલ, જીરુંના સારા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. યાર્ડમાં સોમવારે 50 મણ તલની આવક થઇ હતી. જેમાં તલના એક મણના ઉંચા ભાવ 3,550 રૂપિયા બોલાયા હતા. નીચા ભાવ 2,600 રૂપિયા રહ્યા હતા. જ્યારે ચણાના એક મણના ઉંચા ભાવ 978 રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ 900 રૂપિયા અને સામાન્ય ભાવ 900 રૂપિયા રહ્યા હતા. માર્કેટ યાર્ડમાં ચણાની 125 મણ આવક થઇ હતી. આ ઉપરાંત સિંગદાણાના એક મણના 1,751 રૂપિયા ભાવ રહ્યો હતો અને નીચો ભાવ 2,001 રૂપિયા રહ્યો હતો.