ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકામાં લાલ અને સફેદ ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતાં મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની 1.03 લાખ કટ્ટા અને લાલ ડુંગળીના 75 હજાર કટ્ટાની આવક થઇ હતી. તેમજ ભાવમાં પણ સામાન્ય વધારો થતા ખેડુતોને થોડી રાહત મળી હતી.
ગોહિલવાડ પંથકમાં ડુંગળીના વાવેતરમાં મહુવા તાલુકો મોખરે ગણાય છે. આ વખતે પણ લાલ અને સફેદ ડુંગળીનું સારૂએવું ઉત્પાદન થતાં મહુવા યાર્ડમાં ડુંગળીના પાકની બમ્પર આવક થઈ રહી છે. મહિનાઓ પહેલા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા હતા. ત્યારબાદ હવે સીઝન પૂર્ણ થવાની તૈયારીમાં છે. નિકાસની છૂટછાટને લીધે ભાવમાં સામાન્ય વધારો થયો છે. મંગળવારે મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી.જેમાં સફેદ ડુંગળીના 1,03,018 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 201 રૂપિયાથી લઈને 283 રૂપિયા સુધીના બોલાયા હતા. જ્યારે લાલ ડુંગળીની ગુણી 75000 ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 151 અને ઊંચા ભાવ 374 રૂપિયા સુધીના નોંધાયા હતા આ ઉપરાંત એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી.
મહુવા માર્કેટિંગ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, યાર્ડમાં મંગળવારે સફેદ ડુંગળીના 1,03,018 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 201 રૂપિયાથી લઈને 283 રૂપિયા સુધીના બોલાયા હતા. તેમજ લાલ ડુંગળીની ગુણી 75000 ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 151 અને ઊંચા ભાવ 374 રૂપિયા સુધીના નોંધાયા હતા તથા ચણાની હરાજી કરવામાં આવી હતી. જેમાં એક મણના નીચા ભાવ 800 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,112 રૂપિયા સુધી રહ્યા હતા.