ભાવનગરઃ ગોહિલવાડમાં ખરીફ પાકનું સારૂએવું ઉત્પાદન સારૂ એવું થાય એવા અણસાર છે. સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે કૃષિ ઉત્પાદન વધવાની શક્યતા છે. હાલ જિલ્લાના તળાજા, મહુવા અને ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસની જંગી આવક નોંધાતા ખેડૂતો ખુશ થયા છે. વરસાદી વાતાવરણ વચ્ચે ભાવનગર માર્કેટ યાર્ડમાં 1300 મણ કપાસની આવક થઈ છે. 1500થી 1700ના ભાવે ખેડૂતો માર્કેટ યાર્ડમાં કપાસ વેચી રહ્યા છે.
ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસની બમ્પર આવક શરૂ થઈ છે.આગામી દિવસોમાં બે હજારથી વધુ ભાવ કપાસના મળે તેવી ખેડુતો આશા રાખી રહ્યા છે. દિવાળી સુધી માર્કેટ યાર્ડમાં કપાસની મબલક આવક થશે તેવું યાર્ડના ચેરમેનનું કહેવું છે. બીજી તરફ કપાસના ઓછા ભાવ મળતા હોવાનો ખેડૂતોનો દાવો છે. મહત્વપૂર્ણ છે કે તળાજા, મહુવા, ઘોઘા, જેસર, ગારિયાધાર, પાલિતાણા સહિતના ગામોમાં આ વર્ષે કપાસનું કુલ અંદાજે 2 લાખ 34 હજાર હેક્ટરમાં બમ્પર વાવેતર થયું છે.
ભાવનગર માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ માર્કેટ યાર્ડમાં કપાસની સારી આવક થઈ છે. હાલ માર્કેટ યાર્ડમાં 1000 મણથી માંડી 1300 મણ સુધીની કપાસની આવક થઈ રહી છે. કપાસમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ભેજ ન હોય તેવા કપાસના વધુ ભાવ ઉપજી રહ્યા છે. અત્યારે 1000થી શરૂ કરીને 1,782 રૂપિયા અને એવરેજ 1,500થી 1,700 રૂપિયામાં કપાસ જાય છે. શરૂઆત સારી છે. હજુ ઉત્પાદન સારુ આવશે જો કે હજુ વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતો હજુ બરાબર આવી રહ્યા નથી. આ વર્ષે કપાસનું ઉત્પાદન સારુ થયુ છે. જો કે યાર્ડમાં કપાસ વેચવા આવેલા ખેડૂતો પૈકીના કેટલાક ખેડૂતોનું કહેવુ છે કે ખેડૂતોને તેમની મહેનત અને સમયના આપેલા ભોગ મુજબના ભાવ મળતા નથી. હજુ જેવા ભાવ મળવા જોઈએ તેવા ભાવ મળતા નથી