ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ધીમી આવક સતત શરૂ છે, શેત્રુંજી ડેમમાં ગત મોડીરાત્રીથી આજ વહેલી સવાર સુધી પાણીની આવક શરૂ થઈ હતી, જેમાં 2855 ક્યુસેક પાણીની આવક શરૂ છે, તેથી ડેમની સપાટી વધીને 23.3 ફૂટ પહોંચી છે, સતત પાણીની આવક શરૂ રહેવાથી હજુ પણ ડેમની સપાટી વધવાની શક્યતા છે,
શેત્રુજી ડેમના ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. અને હાલ 2855 ક્યુસેક્ પાણીની આવક થઈ રહી છે. જેને લઈને શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે, શેત્રુજી ડેમની જળસપાટીમાં વધારો થતાં ભાવનગરવાસીઓ તેમજ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લોની સપાટી છે, જ્યારે અત્યારે સુધીમાં 30 ટકા જેટલો ડેમ ભરાયો છે.
આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતું કે, બુધવારે મોડીરાત્રે 12:30 વાગ્યા આસપાસ 22415 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી, ત્યારે આજે સવારે ગુરુવારના રોજ પણ વહેલી સવારે 2:15 આસપાસ 5684 ક્યુસેક પાણીની આવક થઈ હતી, ત્યારબાદ સવારે 4 વાગે 2855 ક્યુસેક તથા સવારે 10 આસપાસ પણ 2855 ક્યુસેક પાણીનો સતત પ્રવાહ શરૂ રહ્યો હતો. જેના કારણે ડેમની સપાટી 23.3 ફૂટે પહોંચી હતી, ડેમમાં 2855 ક્યુસેક પાણીનો ધીમો પ્રવાહ અવિરત પણે શરૂ છે. એટલે પાણીની સપાટીમાં વધારો થઈ રહ્યો છે.