- ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની આવક
- નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા તાકીદ કરાઈ
અમદાવાદઃ રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદને પગલે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. રાજ્યના જળાશયોમાં 63 ટકા જેટલા પાણીનો સંગ્રહ થયો છે. દરમિયાન ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. જેથી તંત્ર દ્વારા દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ નીચાણવાળા ગ્રામીણ વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવ્યાં છે.
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદને પગલે નવા પાણીની આવક થઈ રહી છે. દરમિયાન શેત્રુંજી ડેમ છલકાયો છે, જેથી ખેડૂતો સહિત સ્થાનિકોમાં ખુશી ફેલાઈ છે. ડેમ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા લગભગ 20 જેટલા ડેમ એક ફુટ જેટલા ખોલીને નદીમાં પાણીને છોડવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં શેત્રુંજી ડેમના નીચાણવાળા વિસ્તાર પાલિતાણા અને તળાજા તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત નદીની આસપાસ નહીં જવા માટે લોકોની સૂચના આપવામાં આવી છે.
ગીરસોમનાથ, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. અનેક ગામ સંપર્ક બિહોણા બન્યા છે અને બેટમાં ફેરવાયાં છે. ખેડતોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. દરમિયાન ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીરસોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઉચ્ચ અધિકારીઓને જરુરી સુચના આપી હતી.