ભાવનગરનો શેત્રુંજી ડેમ અઠવાડિયામાં છઠ્ઠી વખત ઓવરફ્લો થતા 30 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા
ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે.પાલિતાણા તાલુકામાં આવેલો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ એક જ સપ્તાહમાં સતત છઠ્ઠી વખત ઓવરફ્લો થતાં નિચાણવાળા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.. રવિવારે મોડીરાત્રીથી જ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમ ઓવરફ્લો થયો હતો. આજે મંગળવારે ફરી એકવાર વહેલી સવારે 15 દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ બપોરે 12:30 વધુ 30 દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા હતા.
સિંયાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં સૌથી મોટા જળાશય તરીકે ખ્યાતનામ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલો શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં સતત છઠ્ઠી વખત છલકાયો છે. જેમાં તારીખ 20 ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ 21ના રોજ 15 દરવાજા ખુલ્યા, તારીખ 22 નારોજ 6 દરવાજા ખુલ્યા, તારીખ 23ના રોજ 15 દરવાજા ખુલ્યાં, તારીખ 24ના રોજ 6 દરવાજા ખુલ્યાં, તારીખ 26ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં બાદ આજે તારીખ 27ના રોજ એક ફૂટ સુધી 5 દરવાજા ખોલવામાં આવ્યાં છે. તા.28 ના રોજ વહેલી સવારે 15 દરવાજા ત્યારબાદ બપોરે ફરી એકવાર 30 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ઉપરવાસમાંથી આવતી પાણીની આવક પર ટીમ સતત નજર રાખી રહી છે. આવક ઘટે એટલે દરવાજા બંધ કરવામાં આવે છે અને આવક વધતા ફરી દરવાજા ખોલવામાં આવે છે. મોડીરાત્રે પાણીનો ભારે પ્રવાહ ડેમમાં આવી રહ્યો હતો જેને પગલે ડેમની સપાટી એક નિયત અંકે જાળવી રાખવા માટે આજે સવારે ડેમના 15 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યાં અને ત્યારબાદ બપોરે 12:30 વાગે 30 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. આજે વહેલી સવારે 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. નદીઓમાં 1350 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, ત્યારબાદ બપોરે 12:30 વાગે 30 દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા અને નદીઓમાં 2700 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહયો છે, ઉપરથી વધારાની આવક બંધ થશે. ત્યારે દરવાજા પુનઃ બંધ કરવામાં આવશે.