ભાવનગરઃ જિલ્લાના શેત્રુંજી ડેમના ઉપરવાસમાં સારા વરસાદના લીધે પાણીની ધીમી આવક શરૂ થઇ છે. શેત્રુંજી ડેમમાં સતત બે દિવસથી 4 હજાર 682 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી વધીને 28.6 ફૂટ પહોંચી છે. હજુ પણ સતત પાણીની આવક થઇ રહી છે, જેથી સપાટી વધવાની શક્યતા છે. ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોવાથી નજીકના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ જેસર, અમરેલી, ગીરપંથકમાં પડેલા સારા વરસાદ અને શેત્રુંજી નદી પર ઉપરવાસમાં આવેલો ધારી – ખોડીયાર ડેમ ભરાઈ ગયો છે. અને પાણી છોડવામાં આવતા બે દિવસથી શેત્રુંજી ડેમ ખાતે પાણીની આવક શરૂ થઈ હતી. જેને લઈને શેત્રુંજી ડેમની સપાટીમા ફરી એક વાર વધારો થયો છે અને 4 હજાર 682 ક્યુસેક્ પાણીની આવક થઇ છે. જેને લઈને શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવામાં ચાર-પાંચ ફુટ્સ બાકી છે, અને પાણીની આવક થઈ રહી છે. તેના લીધે નદીકાંઠાના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
શેત્રુંજી ડેમ પરના ફરજ પરના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતું કે, સતત પાંચ દિવસથી શેત્રુંજી ડેમમાં ધીમી ધારે પાણીની આવક શરૂ રહે છે. જેના પગલે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે સોમવારે સવાર સુધીમાં 4 હજાર 682 ક્યુસેક પાણીની આવક થઈ હતી . જેના કારણે ડેમની સપાટી 28.6 ફૂટે પહોંચી છે. હજુ પણ પાણીની આવક ચાલુ છે. શેત્રુંજી ડેમ 70 ટકા ભરાતા નીચાંણવાળા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. સોમવારે સવાર સુધીમાં ડેમની સપાટી 28.8 ફૂટે સપાટી પહોંચી છે. જેમાં ભાવનગર જિલ્લાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં શુક્રવાર સુધી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.