Site icon Revoi.in

ભાવનગરનો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મુકાયો

Social Share

ભાવનગરઃ જિલ્લામાં સારા વરસાદને કારણે તેમજ શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમ 90 ટકા ભરાતા હાઈએલર્ટ પર મૂકાયો છે.શેત્રુંજી ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. ડેમની જળ સપાટી 32 ફૂટ અને 9 ઈંચ પર પહોંચી છે.ડેમ ઓવરફલો થવામાં માત્ર 1 ફૂટ અને 1 ઈંચ બાકી છે. ડેમમાં 8117 ક્યૂસેક પાણીની આવક થઈ છે.ડેમમાં પાણીની આવક થતા તળાજા, પાલિતાણા તાલુકાના 15થી વધુ ગામોને એલર્ટ કરાયા છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ શેત્રુંજી ડેમ ઓવરફલો થવામાં એક ફૂટ બાકી છે, ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ થતા ડેમમાં પાણીની આવક થઈ છે, સાથે સાથે અમરેલી જિલ્લામાં વરસાદ થતા તેનું પાણી પણ શેત્રુંજય ડેમમાં આવી રહ્યું છે.સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો છે.શેત્રુંજી ડેમમાં 30,300 ક્યુસેક પાણીની આવક થઈ છે. શેત્રુંજી ડેમની જળ સપાટી 32.9 ફૂટે પહોંચી છે.શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફલો થાય છે. શેત્રુંજી ડેમ ભરાતા ખેડુતોમાં ખૂશી જોવા મળી રહી છે. ડેમમાંથી નહેર માટે અંદાજિત 35000 હેક્ટર જમીનને પિયતનો લાભ મળે છે જેમાં તળાજા વિસ્તારને મહત્તમ એટલે કે 65%થી વધુ જમીનને પિયતનો લાભ મળે છે.આ વર્ષે શેત્રુંજી જળાશય ઉપરવાસમાં જૂન અને જુલાઈમાં વરસાદનું પ્રમાણ ઘટતા ક્રમે રહ્યું હતું. પરંતુ સપ્ટેમ્બરમાં સારા વરસાદને લીધે ડેમની ઉપરવાસ વિસ્તારમાં આવક ધીમી ગતિએ વધતી હતી.

ભાવનગર જિલ્લામાં ગત રાતે બગડ ડેમ, માલણ ડેમ, રોજકી અને હમીરપરા ડેમ છલકાયા હતા જેમાં મહુવાના બગડ ડેમમાં 4765 ક્યૂસેક પાણીની આવક અને જાવક શરૂ હતી. તો હમીરપરા ડેમમાં 1120 ક્યૂસેક પાણીની આવક જાવક શરૂ હતી. હણોલ ડેમમાં 542 ક્યૂસેક તેમજ રોજકી ડેમમાં 865 ક્યૂસેક પાણીની આવક જાવક શરૂ હતી. આ ઉપરાંત શજાવળ ડેમમાં 657 ક્યૂસેક પાણીની આવક શરુ હતી. શેત્રુ઼જી ડેમમાં 30,350 ક્યૂસેક પાણીની આવક હતી, માણલ ડેમમાં 139 ક્યૂસેક, રંઘોળા ડેમમાં 270 ક્યૂસેક તેમજ પીંગળી ડેમમાં 255 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી.