Site icon Revoi.in

નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરી પણ ભૂજ-અમદાવાદ ઈન્ટરસિટી બંધ કરતા કચવાટ

Social Share

ભૂજ:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છને નમો ભારત રેપિડ ટ્રેન ભેટમાં આપી છે. અમદાવાદ-ભૂજ વચ્ચે નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરાતા કચ્છવાસીઓને હરખ સમાતો નહતો, પણ પશ્વિમ રેલવેના સત્તાધિશોએ ભૂજ અમદાવાદ ઈન્ટરસિટી ટ્રેન બંધ કરી દેતા કચ્છવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. નમો ભારત રેપિડ ટ્રેન શરૂ થયા બાદ શક્યતા સેવાઈ રહી હતી કે ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી ટ્રેન સેવા બંધ થઈ જશે. ત્યારે ગઈકાલથી એટલે કે તા. 2જી ઓક્ટોબરથી  ભુજ-ગાંધીનગર વચ્ચે દોડતી ઈન્ટરસિટી ટ્રેન સેવા સમાપ્ત કરી દેતા જેના કારણે અનેક પ્રવાસીઓ રઝળી પડ્યા હતા.

સૂત્રોના જમાવ્યા મુજબ અમદાવાદ-ભૂજ વચ્ચે નવી ટ્રેન એક સરખા રૂટ અને સમયે શરૂ થતા જૂની ભુજ-ગાંધીનગર ઈન્ટરસિટી સેવા વિધિવત રીતે બંધ કરી દેવામાં આવી છે. ગત 7 એપ્રિલ 2023થી ભુજ-અમદાવાદ (સાબરમતી) વચ્ચે સમર સ્પેશિયલ તરીકે ત્રણ મહિના માટે આ ટ્રેન શરૂ થઈ હતી. ટ્રેનની ઉપયોગિતા અને લોકપ્રિયતા વધતાં દર ત્રણ મહિને આ ટ્રેનને એક્સટેન્ડ કરાતી હતી. રેલવે યાર્ડની કામગીરીને અનુલક્ષીને થોડા મહિનાથી આ ટ્રેન સાબરમતીના બદલે ગાંધીનગર સુધી વિસ્તારવામાં આવી હતી. છેલ્લે 30 સપ્ટેમ્બર સુધી ત્રણ મહિના માટે જ આ ટ્રેન સેવા લંબાવવામાં આવી હતી.

સૂત્રોના કહેવા મુજબ નમો ભારત ટ્રેનના ટિકિટ દરની સરખામણીમાં ઈન્ટરસિટી ટ્રેનમાં સ્લીપર કોચનું ભાડું લગભગ અડધું અને જનરલ કોચનું ભાડું માત્ર  દોઢસો રૂપિયા હતું. હવે નવી ટ્રેનમાં 3 ગણું ભાડું એટલે કે 450 રૂપિયા ચૂકવવા પડે છે. જેથી, પ્રવાસીઓ માટે આ ટ્રેન નવી કોર્પોરેટ હાઈસ્પીડ ટ્રેનની તુલનાએ ખુબ રાહતરૂપ બનતી હતી.  જૂની ટ્રેનમાં જનલર કોચ મારફતે રૂ.150 માં ભુજથી અમદાવાદ અવાતું હતું જેનું હવે 3 ગણું ભાડું એટલે કે રૂ.450 ચૂકવા પડે છે. ફાયદો ખાલી એ કે ટ્રેનએસી છે. પહેલા રૂ.250માં સ્લીપરમાં અવાતું હતું પણ વંદે મેટ્રોમાં રૂ.450 ભાડું છે. તો આ સાથે તેમાં સિટિંગ વ્યવસ્થા ભંગાર હોવાની ફરિયાદ છે. એસટી બસ જેવી સિટિંગ વ્યવસ્થા હોવાથી લાંબી મુસાફરીમાં લોકો થાકી જાય છે.