ભુજઃ ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણીબધી નગરપાલિકાઓ એવી છે. કે, જેના કરોડો રૂપિયાના વીજળી બિલ બાકી બોલે છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલ અંગે નગરપાલિકોઓને નોટિસ ફટકારીને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે. જેમાં ભૂજ નગરપાલિકાની વીજ બિલ પેટે 48 કરોડ રૂપિયા જેટલી ભારેખમ રકમ લેણા પેટે બાકી છે. જે ભરાતી નથી અને દર મહિને 60થી 70 લાખ રૂપિયા જેટલું વીજ બિલ ઉમેરાતું જાય છે. જેની સામે સુધરાઈ દ્વારા માત્ર 13 લાખ રૂપિયા જેટલી રકમ ભરવામાં આવી છે. જેથી પીજીવીસીએલના સત્તાધિશોએ બુધવારે મ્યુનિ.ના 9 જેટલા વીજ જોડાણ કાપી નાંખતા પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ દોડધામમાં મચી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભુજ નગરપાલિકા દ્વારા લોકોને ઘરઘર સુધી પીવાનું પાણી પહોંચાડવા અને ગટરના પાણી છેક નાગોર રોડ સુધી ધકેલવા પમ્પિંગ સ્ટેશન ચલાવે છે, જેમાં વીજ વપરાશ વધી ગયો છે. ઉપરાંત શહેરના માર્ગો પર સ્ટ્રીટ લાઈટ્સ માટે કુલ 137 વીજ જોડાણ લીધેલા છે. જેના કારણે દર મહિને 60થી 70 લાખ રૂપિયા જેટલો ભારેખમ વીજ બિલ આવે છે. જે વીજ બિલ ચડતા ચડતા 47 કરોડ 72 લાખ ઉપર પહોંચી ગયું છે. જેની સામે નગરપાલિકાના આવક નજીવી છે, જેથી વીજ બિલ ભરવામાં નગરપાલિકા ટૂંકી પડે છે. પરંતુ, વીજ કચેરીની પણ એક મર્યાદા છે, જેથી બુધવારે ગટર અને પાણી વિભાગના 9 જેટલા જોડાણ કાપી નાખ્યા છે. ખરાઈ કરવા રોડ લાઈટ બ્રાન્ચના વડા દક્ષેષ ભટ્ટને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હા, વીજ કચેરીએ 9 જેટલા જોડાણો કાપ્યા હતા.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકા દ્વારા મિલકત વેરો, શિક્ષણ ઉપકર, વ્યવસાય વેરો ઉપરાંત પાણી, ગટર, સફાઈ, રોડ લાઈટ માટે દિવાબત્તી ચાર્જ વસુલવામાં આવે છે. શહેરમાં નોંધાયેલી મિલકત 42 હજાર ઉપરાંત છે, જેમાંથી હજુ સુધી 7 હજાર જેટલા મિલકત માલિકોએ જ વેરા અને સેવા ચાર્જ પેટે દસેક કરોડ રૂપિયા ભર્યા છે. એ ઉપરાંત દબાણ વાળા વિસ્તારોના શેરી, મહોલ્લામાં રોડ લાઈટની સુવિધા અપાઈ છે. પરંતુ, એ વિસ્તારના લોકો ગટર, પાણી, સફાઈ અને દિવાબત્તી ચાર્જ ભરતા નથી. જે માટે નગરસેવકો દ્વારા પણ જાગૃતિ ફેલાવવામાં આવતી નથી. ઉલ્ટું પાણી, ગટર, સફાઈ જેવા પ્રશ્ને મોરચા કાઢી વહીવટી અધિકારીઓ અને પદાધિકારીઓને ભીડવામાં આવે છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભુજ નગરપાલિકાએ શહેરમાં નવા વિકસેલા વિસ્તારોમાં રોડ લાઈટ માટે કુલ 55 જેટલા પોલમાં વીજ જોડાણ આપવા માંગણી કરી હતી. જે માટે કોલ લેટર પણ અપાયા અને રકમ પણ ભરાઈ હતી. પરંતુ, હવે અચાનક ચડત રકમ ભરાઈ ન હોઈ નવા વીજ પોલના જોડાણ આપવાનો નનૈયો ભણી દીધો છે. ભુજ નગરપાલિકાની ઓક્ટ્રોયની આવક બંધ છે, જેથી રાજ્ય સરકાર દ્વારા 42 લાખ જેટલી ઓક્ટ્રોયની ગ્રાન્ટ ચૂકવાય છે, જેમાંથી 13 લાખ જેટલા સીધા પી.જી.વી.સી.એલ.ને ચૂકતે કરી દેવાયા છે. ભૂજ નગરપાલિકાની ખર્ચના પ્રમાણમાં આવક ખૂબ જ ઓછી છે. એટલે રાજ્ય સરકાર દ્વારા મોટુ અનુદાન મળે તો જ સમસ્યા હલ થઈ શકે તેમ છે.