Site icon Revoi.in

CMના સંબોધન દરમિયાન ભૂજના ચીફ ઓફિસર ઊંઘતા હોવાનો વિડિયો વાયરલ થતા સસ્પેન્ડ કરાયાં

Social Share

ભૂજઃ શહેરની નગરપાલિકામાં છેલ્લા 14 માસથી ચીફ ઓફિસર તરીકેની ફરજ બજાવતા જીગર પટેલને ગઈકાલે શનિવારે ભુજમાં યોજાયેલા મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમમાં ઊંઘી જવું ભારે પડ્યું છે. કલાસ 1 અધિકારીની આ ક્ષતિ બદલ તેમને રાજ્ય સ્તરેથી ફરજ મોકુફ કરવામાં આવ્યાં છે. આ સરકારી બાબુને બે ઘડીની ઊંઘ તેની નોકરી માટે ખતરારૂપ સાબીત થઈ છે. શનિવારે ભૂજના ટાઉનહોલમાં સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો. જયાં મુખ્યમંત્રીના ભાષણ સમયે ચીફ ઓફિસર શ્રોતા ગણની બીજી હરોળમાં ખુરશી પર સુઈ ગયા હતા. ઊંઘી રહેલા ચીફ ઓફિસરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજ્યમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ હોય ત્યારે કેટલાક અધિકારીઓ પ્રોટોકોલ જાળવતા ન હોવાની ઘણા સમયથી ફરિયાદો ઊઠી રહી છે. દરમિયાન કચ્છ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં ટાઉનહોલમાં યોજાયેલી સભામાં CM ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા. ત્યારે ભુજ પાલિકાના ચીફ ઓફિસર ખૂરશી પર બેસીને ઘોર નિદ્રા માણી રહ્યા હતા. CMની હાજરીમાં ભુજ પાલિકાના ચીફ ઑફિસર રીતસરના ઊંઘી ગયા હતા. અહીં ભૂપેન્દ્ર પટેલ ભુજના વિકાસની વાતો કરતા રહ્યા અને અધિકારીએ જબરદસ્ત ઊંઘ ખેંચી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આમ ભુજ પાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા ઝડપાતા આજે રવિવારે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પ્રોટોકોલ ન જાળવતા અધિકારીને સસ્પેન્ડ કરી દેતા અન્ય અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હવે મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન અધિકારીઓની લાપરવાહીને પણ ચલાવી લેવામાં નહીં આવે એવો સંદેશ આપવામાં આવ્યો છે.