અમદાવાદઃ શહેરના વૈષ્ણોદૈવી સર્કલ પાસે રાયકા એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના સંકુલનું ભૂમિપૂજનનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંકુલ 21 કરોડના ખર્ચે આકાર પામશે. તેમાં ઓડિટોરિયમ, ચાર લાયબ્રેરી, બે કમ્પ્યુટર રૂમની સુવિધાઓ ઉપ્લબ્ધ થશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે રબારી સમાજના આગેવાન અને જાણીતી ડિઝીટલ મીડિયા ગ્રુપ રિવોઈ ( રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ વિરમભાઈ આલ અને હર્ષવર્ધન અમૃતભાઈ આલએ રૂ. 5 લાખનું દાન આપ્યું છે. રિવોઈ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીમાં દેશ-દુનિયાના પોઝિટિવ સમાચાર વાચકોને પુરા પાડે છે.
સામાજિક સમરસતા એ કોઈ પણ રાજ્યના વિકાસની પાયાની જરૂરિયાત છે,તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. અમદાવાદના વૈષ્ણોદૈવી સર્કલ પાસે રાયકા એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર સૌ સમાજને સાથે લઈને ચાલવામાં માને છે અને પરિણામ સ્વરૂપે દરેક સમાજના સાથ અને સહકારથી ગુજરાતે સામૂહિક નિર્ણય પ્રક્રિયા દ્વારા વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. અમારી સરકાર પારદર્શક છે, નિર્ણાયક છે અને સંવેદનશીલ પણ છે અને તેથી જ જનસમૂહનું વ્યાપક જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. ગુજરાત સરકાર જ્ઞાનવાન સમાજ માટે પ્રતિબદ્ધ છે અને તેથી જ રાજ્ય સરકારે શિક્ષણ માટે બજેટમાં રૂ. 35 હજાર કરોડથી વધુ રકમની ફાળવણી કરી છે.
વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે, જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારે ગુજરાતમાં માત્ર 9 યુનિવર્સિટી અસ્તિત્વમાં હતી, જે સંખ્યા આજે 80 એ પહોંચી છે. ગુજરાતના યુવાન-યુવતીઓને ઘરઆંગણે જ ઉચ્ચ શિક્ષણ મળી રહે, અન્ય રાજ્યો-રાષ્ટ્રોમાં જવુ ન પડે તે માટે ઉચ્ચ શિક્ષણના વ્યાપમાં વૃદ્ધિ કરવામાં આવી છે. રબારી સમાજ હવે શિક્ષણ તરફ અભિમુખ બન્યો છે ત્યારે રાજ્ય સરકારની પણ તેને સહાય કરવાની ફરજ છે.
મુખ્યમંત્રીએ રબારી સમાજના ગૌરવવંતા ઈતિહાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગોપાલકો ગાય માતાની ભક્તિના વ્યવસાયમાં છે અને તેની રક્ષા અને પૂજા એ તેમના સંસ્કાર છે. આ સંસ્કાર-પરંપરાના કારણે જ સમાજ પ્રગતિના પંથે છે. મુખ્યમંત્રીએ રબારી સમાજની ભરોસાપાત્રતાનો ઉલ્લેખ કરતા કહ્યં કે, અગાઉ જ્યારે વિવિધ સમાજમાં બહેન-દીકરીને તેડવા જતા ત્યારે તેડાગર રબારી સમાજનો જ હોતો. આમ, તે હંમેશા ભરોસાનું પ્રતિક બની રહ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, 9 મી સદી બાહુબળની સદી હતી, 20 મી સદી મૂડીની સદી હતી પણ 21 મી સદી જ્ઞાનની સદી છે, ત્યારે રબારી સમાજે હવે માતા સરસ્વતીની સાધના કરી રહ્યો છે. તે આનંદની વાત છે. શિક્ષણ એ આજના સમયની આવશ્યકતા છે અને તેના તરફ દુર્લભ્ય સેવવું કોઈને પણ પરવડે નહીં. જ્યારે ગુજરાતમાં ગાયા માતાના રક્ષણ માટેના કાનૂનની ચર્ચા-વિચારણા ચાલતી હતી ત્યારે મુખ્યમંત્રીએ કહ્યું કે, જો કસાઈઓ ગાય માતાની દયા ખાતા ન હોય તો સરકાર કસાઈઓ માટે દયા ખાવા તૈયાર નથી.