અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું નિર્માણ કરવામાં આવશે. આવતીકાલે રવિવારે શહેરના ગોતા વિસ્તારમાં રેલવે લાઈનની નજીક વિદ્યાભારતી સ્કૂલ ઓફ એક્સિલન્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. આવતીકાલે તા. 12મી મેના રોજ આયોજીત ભૂમિપૂજનના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે હેસ્ટર બાપો સાયન્સ લિમિટેડના સ્થાપક-સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવભાઈ ગાંધી હાજર રહેશે. આ ઉપરાંત RSS ના પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહ યશવંતભાઈ ચૌધરી, વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાનના ઉપાધ્યક્ષ શ્રીમતી સાધનાબેન ભંડારી ઉપસ્થિત રહેશે. વિદ્યાભારતી શિક્ષણ, પ્રશિક્ષણ અને શૈક્ષણિક સંશોધન તેમજ પ્રકાશનના ક્ષેત્રમાં કાર્યરત છે. વ્યક્તિ નિર્માણથી માંડીને રાષ્ટ્ર નિર્માણ સુધીની સંકલ્પના અને સાર્થક કરવાના હેતુસર નગરિયા ક્ષેત્રોમાં પણ વિદ્યાભારતીનું વિદ્યાલય બને તે માટે એક વિચાર થયો છે. તેમ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશએ જણાવ્યું હતું.