અમદાવાદઃ વણકર સમાજ દ્વારા ગાંધીનગર સેક્ટર 11ના વિશાળ રામકથા મેદાન ખાતે, કેવળ વણકર સમાજના યોગદાનથી રૂપિયા બાર કરોડના ખર્ચે સાકાર થનાર “વણકર ભવન”નો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. પૂર્વ સમાજ કલ્યાણ મંત્રી ડૉ. કરસનદાસ સોનેરી અને પૂર્વ ક્લેક્ટર સ્વ. કે. કે. ચૌહાણ સહિતના આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતા. મહંતશ્રી લાલદાસ બાપુ (જોધલપીર ધામ-કેસરડી), મહંતશ્રી તુલસીદાસજી (સંત કબીર આશ્રમ-સુરત), મહંતશ્રી વીરેશ્વરબાપુ (જગ્યા તલોદ)ની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
ગુજરાત રાજ્યના વણકર પરગણાના ૪૦૦ જેટલા ગામોમાં 3200 કિ.મી.ની “વણકર ગૌરવ યાત્રા”ને મળેલા વ્યાપક આવકાર અને યાત્રા દરમિયાન મળેલા સહકાર-અનુદાન બાદ”વણકર ભવન”ના વિચારને મૂર્તિમંત કરવામાં આવ્યો છે. “વણકર ભવન” માટે રૂપિયા 51 લાખ, 15 લાખ, 11 લાખ, પાંચ લાખ અને એક લાખનું દાન આપનાર 100 જેટલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના અધ્યક્ષ, “વણકર ભવન” ના સ્વપ્નદષ્ટા, વણકર મહાસંઘના ચીફ પેટ્રન અને પૂર્વ મંત્રી કરસનદાસ સોનેરીએ જણાવ્યું હતું કે, બાર કરોડના ખર્ચે સાત માળના બનનાર આ ભવન, તેની સમાજલક્ષી – શિક્ષણલક્ષી – વિકાસલક્ષી પ્રવૃતિ સાથે સમાજની ઉન્નતિ માટે એક સીમાચિન્હ બની રહેશે.