અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં ભાષણ દરમિયાન નેતાઓની જીપ લપસી જતી હોય છે. અને આક્ષેપો-પ્રતિ આક્ષેપોમાં નેતાઓ ન બોલવાનું બોલી જતાં હોય છે. દરમિયાન આમ આદમી પાર્ટી છોડીને પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ચૂંટણી સભામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે અસંસદીય ભાષામાં પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા આ અંગે ચૂંટણી પંચને કરેલી ફરિયાદ બાદ ગંભીર નોંધ લેવામાં આવી હતી. અને રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રિય ચૂંટણી પંચને રિપોર્ટ સુપરત કરી દીધો છે. એટલે ભાયાણી સામે પગલાં લેવામાં આવશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને થોડા દિવસ બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં તેજી જોવા મળી રહી છે. ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષના નેતાઓ આક્ષેપો-પ્રતિઆક્ષેપો સાથે બેફામ વાણીવિલાસ કરતા હોય છે. ભાજપના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજે ભાદપ સામે મોરચો માંડ્યા છે. જ્યારે પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન આપ્યું હતું. ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક ગણાવ્યા હતા. ત્યારબાદ ભાયાણી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીનું આ નિવેદન આચારસંહિતાનો ભંગ છે. આ મામલે રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને જાણ કરી હતી. ભૂપત ભાયાણી મામલાનો રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચમાં કરવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય ચૂંટણી પંચ ભૂપત ભાયાણી સામે પગલા ભરવા આખરી નિર્ણય લેશે. દરમિયાન ભાજપ નેતાના નિવેદન પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી હતી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યુ હતું કે ભાજપ ભૂપત ભાયાણી વિરુદ્ધ કાર્યવાહી કરે. આ પ્રકારનું નિવેદન નિંદનીય છે. તેમણે કહ્યું હતું કે આ મામલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ ફરિયાદ કરવામાં આવશે. ( file photo)