વાવાઝોડાથી થયેલી નુકસાનીનો સત્વરે પ્રાથમિક અંદાજ મેળવવા ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને નિર્દેશ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે બિપરજોય વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓ, ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં થયેલ અસરનો તાગ મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ વાવાઝોડાથી થયેલ નુકસાનીનો સત્વરે પ્રાથમિક અંદાજ લેવા માટે તથા અન્ય જરૂરી આનુષંગિક કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપ્યા હતા.
બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ગ્રાઉન્ડ લેવલ પર NDRFની ટીમ, કચ્છ જિલ્લાના માંડવી ખાતેથી NDRFની ટીમ દ્વારા 6 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા. જામનગર શહેરી વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાના કારણે પડી ગયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જામનગરમાં વરસતા વરસાદમાં પણ ફાયરવિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા મહાનગરપાલિકાની ટીમો ફિલ્ડ પર સતત કાર્યરત છે.
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મેડિકલ ટીમે 24 કલાક સતત ખડેપગે રહી કાચા મકાન, ઝૂંપડપટ્ટી વિસ્તાર તેમજ શેલ્ટર હોમમાં સ્થળાંતરિત કરવામાં આવેલા નાગરિકો સહિત સગર્ભા બહેનોની આરોગ્ય તપાસણીની સેવાઓ રાઉન્ડ ધ ક્લોક પ્રતિબદ્ધતા સાથે પૂરી પાડી હતી.
બિપરજોય વાવાઝોડાની કુદરતી આફત પસાર થયા બાદ પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ હાઈવે પર દરિયાની રેતીના જામી ગયેલા થરને દૂર કરી નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પુર્વવત કરવાની વહીવટી તંત્રની ઝડપી કામગીરી હાથ ધરાઈ છે. રાજકોટ જિલ્લા વન વિભાગની 25 ટીમો દ્વારા વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલ 70થી વધુ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરાયા છે. રાજકોટમાં વહીવટીતંત્ર દ્વારા સતત ખડેપગે રાહત બચાવની કામગીરી શરૂ કરાઈ છે.