અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો ઉપર ભવ્ય વિજય મેળવીને ભાજપાએ ઈતિહાસ રચી નાખ્યો હતો. દરમિયાન આજે ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. ગાંધીનગરના હેલિપેટમાં યોજાયેલા શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને શપથ લેવડાવ્યાં હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ભવ્ય જીત બાદ ભાજપાના ધારાસભ્યોની બેઠક શનિવારે મળી હતી. જેમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. તેમજ ગાંધીનગરમાં શપથવિધી સમારોહની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યાં હતા. આ શપથવિધી સમારોહમાં પીએમ મોદી, અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. શપથવિધી સમારોહમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાધુ સંતો સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. શપથવિધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ ભુપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમંડળને શુભકામનાઓ પાઠવી હતી.
ગુજરાતમાં આજથી ભાજપના નેતૃત્વવાળી ભૂપેન્દ્ર પટેલની સરકાર સત્તારૂઢ થઈ છે. રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. જેમાં નરેન્દ્ર મોદીથી માંડી આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીથી માંડી ભૂપેન્દ્ર પટેલ સુધીના મુખ્યપ્રધાન શપથ લઈ ચૂક્યા છે. નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યા હતા. જેમાં તેમણે 4 વખત શપથ લીધા હતા. 22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્યપ્રધાન બન્યા હતા. 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજય રૂપાણી મુખ્યપ્રધાન બન્યા હતા. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યપ્રધાાન બન્યા છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી પહેલા ભાજપની સરકારમાં મુખ્યમંત્રી કેશુભાઈ શાસનની ધુરા સંભાળતા હતા. જો કે, વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ કેશુભાઈને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા હતા અને નરેન્દ્ર મોદીને પ્રથમવાર મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં હતા.