ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે જ હશેઃ જીતુ વાઘાણી
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ દ્વારા હજુ સત્તાવારરીતે મુખ્યમંત્રી કોણ હશે તેની જાહેરાત કરવામાં આવી નથી ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મત્રી જીતુ વાઘાણીએ તો ઉત્સાહમાં આવીને જાહેરાત કરી હતી કે, વર્ષ 2023 બાદ પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે જ હશે,
રાજ્યના શિક્ષણમંત્રી સાથે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ આજે અમદાવાદ ખાતે એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરીંગના સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જાહેરમંચ ઉપરથી જણાવ્યું હતું કે, 2023 બાદ પણ ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી હશે. એટલે કે જાન્યુઆરીમાં યોજાનારા એલ.ડી.ના જલસાના કાર્યક્રમમાં અમે પાછા આવીશું. એલ.ડી.કોલેજ ઓફ એન્જિનિયરીંગ કોલેજના આ કાર્યક્રમમાં ખૂદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત રાજ્યમંત્રી કુબેર ડિંડોર પણ ઉપસ્થિત હતા અને તેની હાજરીમાં શિક્ષણમંત્રી વાઘાણીએ 2023 બાદ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જ હશે તેવી જાહેરાત કરતાં થોડો સમય માટે ગુજરાત યુનિ.ના કોન્વોકેશન હોલમાં તાળીઓનો ગડગડાટ થયો હતો.
ગુજરાતની સૌથી જૂની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એલ. ડી. કૉલેજ ઑક એન્જિનીયરિંગ તેના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરી રહી છે. આ ઉજવણી દરમિયાન સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા સમારંભ દરમિયાન આ ભવ્ય સંસ્થાની શતાબ્દી યોજનાનું અનાવરણ કર્યુ હતું. એન્જિનીયરિંગના વિવિધ ક્ષેત્રોમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવાના હેતુથી વર્ષ 1948માં LDCEની સ્થાપના થઈ હતી, ત્યારથી તેણે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. તે ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા તેનું સંચાલન થાય છે. સ્થાપના દિવસના કાર્યક્રમોના ક્રમમાં આ સંસ્થાની ડાયમંડ જ્યુબિલી ઉજવણીના ભાગરૂપે યોજાયેલી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ અને વિવિધ પહેલમાં સંસ્થાના 1,200 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં.આ ત્રણ દિવસીય ઉજવણીનો પ્રારંભ રવિવારના રોજ થયો હતો. આ દિવસે સંસ્થાના તમામ સભ્યોએ મોર્નિંગ વૉક કર્યું હતું.