Site icon Revoi.in

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારને એક વર્ષ પૂર્ણ થતાં આજથી ત્રણ દિવસ ઊજવણી કરાશે

Social Share

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  સરકારનું 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. જેની ઊજવણી  શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં ત્રણ  દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જ્યારે તમામ મંત્રીઓને જિલ્લાના વિવિધ વિસ્તારમાં મોકલીને અનેક કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સત્તાના સૂત્રો સંભાળ્યાને એટલે કે પટેલની સરકારના કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થતાં રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 13 સપ્ટેમ્બરે રાજ્ય સરકાર દ્વારા ‘વિશ્વાસથી વિકાસ’ના સૂત્ર હેઠળ એક વર્ષની ઊજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યપ્રધાન 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ હેઠળ 4 હજાર 500 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. 15મી  સપ્ટેમ્બરે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજ્યની કમાન સંભાળતાં જ તમામ સરકારી વિભાગોમાં જે કેટલાય સમયથી જે સરકારી જગ્યાઓ ખાલી પડી હતી, તેને ફરીથી ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે 50 હજાર સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી 99 ટકા ગ્રામીણ ક્ષેત્રને લગતી જરૂરિયાતોના પ્રશ્નો ઘેર બેઠા જ સમાધાન થાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરી છે. એક વર્ષની અંદર રાજ્ય સરકારે પોલીસના આર્થિક પ્રશ્નની કામગીરી હોય અને રાજ્ય સરકારના કર્મચારીઓની પગાર ભથ્થાની કામગીરી હોય અથવા તો જાહેર જનતાના પ્રશ્નોની કામગીરી હોય, તે મહત્વના પ્રશ્નોનું ઉકેલ લાવી છે.

15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે ધો. 12 પાસ સુધી જ અભ્યાસ કરેલો છે. વ્યવસાયે બિલ્ડર એવા ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારના રહેવાસી છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના નામથી જાણીતા છે. વર્ષ 2021માં 12 સપ્ટેમ્બરે રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત થઈ હતી અને 13 સપ્ટેમ્બરે તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, તેમને મુખ્યપ્રધાન તરીકે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપ પક્ષ દ્વારા તેની ઊજવણી કરવામાં આવશે.