અમદાવાદઃ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવતા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલ સરળ વ્યક્તિ છે. તેમજ તેમણે ધારાસભ્ય તરીકે તેમણે સફળતા પૂર્વક કામગીરી કરી છે. ભાજપના ધારાસભ્યો ભુપેન્દ્રભાઈ પટેલની સાથે જ છે, અને ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારો. આત્મનિર્ભર ભારત બનવા તરફ દેશ આગળ વધી રહ્યો છે તેમાં ગુજરાત અગ્રેસર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીએ ગઈકાલે અચાનક જ રાજ્યપાલને મળીને મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિવિધ નેતાઓના નામ ચર્ચાતા હતા. જો કે, ભાજપે પોતાની પ્રણાલી પ્રમાણે જ ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરીને તમામને ચોંકાવી દીધા હતા. આ રેસમાં અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ક્યાંય હતા જ નહીં. વિજય રૂપાણીએ જ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.