અમદાવાદમાં ભરશિયાળે રસ્તા ઉપર પડ્યો ભુવો, અનેક વાહનો ખાડામાં ગરકાવ
અમદાવાદઃ શહેરમાં ચોમાસામાં રસ્તા ઉપર ભુવા પડવાની ઘટના સામે આવે છે. હાલ ભરશિયાળે બે મોટા ભુવા પડ્યાં હોવાનું સામે આવ્યું છે. આજે શહેરના માણેકચોક વિસ્તારમાં ઉંડો ભુવો પડ્યો હતો. જો કે, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. બે દિવસ પહેલા નરોડા વિસ્તારમાં પણ ભુવો પડ્યો હતો. આમ શહેરમાં ગણતરીના કલાકોમાં બે ભુવા પડવાની ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના માણેકચોક વિસ્તારમાં એક મંદિરની પાછલ એક મસમોટો ભુવો પડ્યો હતો. જેથી અહીં પાર્ક કરેલા કેટલાક વાહન ઉંડા ખાડામાં ગરકાવ થયાં હતા. જો કે, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આ અંગેની જાણ થતા જ મનપાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર ઉપર દોડી ગયા હતા. તેમજ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ભુવો પુરવાની કામગીરી શરૂ કરી હતી. બે દિવસ પહેલા નરોડા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર એક ભુવો પડ્યો હતો. ભુવો પડતા નીચેથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જેથી રસ્તા ઉપર પાણી પણ ફરી વળ્યાં હતા. જેથી વાહન ચાલકોને ભારે હાલાકીનો કામનો કરવો પડ્યો હતો. શહેરના નરોડા વિસ્તારમાં ભુવો પડવાની ઘટનાના ગણતરીના કલાકોમાં જ માણેકચોક વિસ્તારમાં ભુવો પડતા મનપાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.
(Photo-File)