Site icon Revoi.in

ગુજરાતમાં નવેમ્બર સુધી બેઋતુ અનુભવાશે, ડિસેમ્બરથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે

Social Share

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાંથી ચોમાસાએ વિધીવત વિદાય લઈ લીધી હોવા છતાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને સામાન્ય વરસાદના ઝાપટાં પણ પડી રહ્યા છે. ચોમાસાની વિદાય બાદ વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખરીફ પાક તૈયાર થઈ ગયો છે અને તેવા સંજોગોમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદ થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. દરમિયાન હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ આગામી  નવેમ્બર સુધી બેવડી ઋતુનો એહસાસ થશે કારણ કે, લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ  તાપમાન ઊંચું રહેવાના કારણે વહેલી સવારે ઠંડી અને બપોર થતા જ ગરમીનો અનુભવ થાય છે. જોકે ડિસેમ્બરથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે.

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ બેવડી ઋતુના અહેસાસ થઈ રહ્યો છે,  હાલ વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. જ્યારે બપોરે થોડી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.  શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત ક્યારથી થશે તે અંગે હવામાન શાસ્ત્રીઓના કહેવા મુજબ  ગુજરાતમાં 22 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે અને ઠંડી લાંબી ચાલશે.જોકે ગુજરાતમાં ઉત્તર તરફના સીધા પવનો ફૂંકાય ત્યારે કડકડતી ઠંડી પડે છે. ઠંડા  અને સૂકા પવન ફૂંકાવવાનું શરૂ થાય ત્યારબાદ લઘુતમ તાપમાન ઘટવાનું શરૂ થાય છે. પરંતુ હાલ તો બેવડી ઋતુનો અહેસાસ થશે અને ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડશે. રાજ્યમાં ઉત્તર-ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આગામી 5 દિવસ લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેશે.

રાજ્યમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી પર નોંધાઇ રહ્યું છે. લઘુતમ તાપમાન 25 ડિગ્રી આસપાસ નોંધાયું છે. જોકે, છેલ્લા 12 દિવસમાં મહત્તમ તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો થયો છે. જેના કારણે લોકોને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ વિશેષ રહેતા લોકો અસહ્ય બફારો સહન કરી રહ્યાં છે. ત્યારે હજુ ઠંડી આવતા થોડા દિવસો લાગી જશે તેમ હવામાન શાસ્ત્રીઓનું માનવું છે