રશિયા યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદથી વિશ્વ ચિંતિત,બાઈડન-વ્લાદિમીર પુતિન વચ્ચે ચર્ચા થઈ
- રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ
- વિવાદથી વિશ્વ ચિંતિત
- બાઈડન-વ્લાદિમીર પુતિન વચ્ચે ચર્ચા થઈ
દિલ્હી:રશિયા અને યુક્રેન વચ્ચે વધી રહેલા વિવાદથી સમગ્ર વિશ્વ ચિંતિત છે, રશિયા દ્વારા ક્રિમિયાને લઈને જોરદાર આક્રમકતા દાખવવામાં આવી રહી છે. આવામાં વિવાદ ઓછો થાય તે માટે અમેરિકા અને અન્ય દેશો દ્વારા આ વાતનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જાણકારી અનુસાર પાછલા ઘણા દિવસોથી એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી કે રશિયા યુક્રેન પર વધુ એક હુમલો કરવાની તૈયારીમાં છે. આ મુદ્દો વધુ ચગતો જોઈ હવે અમેરિકાએ પણ તેમાં ઝંપલાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મંગળવારે વીડિયો કૉલ પર વાતચીત થઈ.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વીડિયો કૉલ પર વાતચીત થઈ તે પહેલાં પશ્ચિમી દેશોએ રશિયાને યુક્રેન સાથે તણાવ ઘટાડવાની વિનંતી કરી. રશિયા ગૅરન્ટી માગી રહ્યું છે કે યુક્રેનને નેટોમાં સામેલ નહીં કરાય પરંતુ પશ્ચિમી દેશોનું કહેવું છે કે યુક્રેનની સંપ્રભુતા અને સાર્વભૌમિકતાનું સન્માન થવું જોઈએ.
જોકે રશિયાએ યુક્રેન પર હુમલાની કોઈ પણ યોજનાથી ઇનકાર કર્યો છે પરંતુ રશિયાએ યુક્રેનની પૂર્વી સરહદની પાસે હજારો સૈનિક તહેનાત કર્યા છે અને યુક્રેનનું કહેવું છે કે રશિયાએ તેની સરહદની અંદર ફ્રન્ટલાઇન પર ટૅન્કો તહેનાત કરી છે. બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી અને જર્મનીના નેતાઓ સાથે વીડિયો કૉલના કલાકો પહેલાં તેવું લાગી રહ્યું હતું કે અમેરિકા જવાબમાં કોઈ સૈન્ય કાર્યવાહી નહીં કરે, પરંતુ કડક આર્થિક પગલાં લેવા અંગે વિચારી શકે છે.