દિલ્હી – યુએસ પ્રમુખ જો બાઇડેનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફાઈનર આ દિવસોમાં ભારતની મુલાકાતે આવ્યા છે. વિતેલા દિવસને સોમવારે તેઓ વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોભાલને અલગ-અલગ મળ્યા હતા.
આ મુલાકાત દરમિયાન વિવિધ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીને મારવાના નિષ્ફળ કાવતરામાં ભારતની સંડોવણી હોવાના અમેરિકન આરોપ પછી પહેલીવાર બંને પક્ષો વચ્ચેના અધિકારીઓની બેઠકની માહિતી જાહેરમાં સામે આવી છે.
વધુ માહિતી પ્રમાણે નવી દિલ્હીની મુલાકાતે આવેલા ફાઇનર અને તેમના ભારતીય સમકક્ષ વિક્રમ મિસરીએ વ્યાપક વાટાઘાટો દરમિયાન ભારત-યુએસ ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીની પ્રથમ વ્યાપક મધ્ય-ગાળાની સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે મે મહિનામાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ જો બાઇડેને નવી અને ઉભરતી તકનીકોમાં બંને દેશો વચ્ચે પરિણામલક્ષી સહકારની સુવિધા માટે ICETની શરૂઆત કરી હતી.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે,”પરામર્શ દરમિયાન, બે ડેપ્યુટી એનેસેએ મુખ્ય દ્વિપક્ષીય મુદ્દાઓની સમીક્ષા કરી અને પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું.” યુ.એસ.માં ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં કથિત સંડોવણી બદલ ભારતીય નાગરિક સામે યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલા કેસની પૃષ્ઠભૂમિમાં નવી દિલ્હીમાં આ બેઠક થઈ હતી.