ઉત્તરપ્રદેશ: વિધાનસભાની ચૂંટણી પૂર્વે અખિલેશ યાદવને મોટો ફટકો, 4 ધારાસભ્યો BJPમાં જોડાયાં
લખનૌ: ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાશે. જો કે, ભાજપ, કોંગ્રેસ અને સપા સહિતના રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો કે, વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને ભાજપાએ મોટો ઝટકો આપ્યો છે. રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના ચાર ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. રવિશંકર સિંહ, નરેન્દ્ર ભાટી, સી.પી. ચંદ અને રમા નિરંજન સમાજવાદી પાર્ટીની સાઈકલની સવારી છોડીને ભાજપમાં જોડાયાં છે. ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા અને કેશવ પ્રસાદ મૌર્યની હાજરીમાં સમાજવાદી પાર્ટીના આ ધારાસભ્યો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.
ભાજપના પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દાયકાઓથી સપાને શક્તિશાળી બનાવનાર નરેન્દ્ર ભાટી આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમના આવવાથી પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પાર્ટી વધારે મજબૂત થશે. આ સિવાય બલિયાથી આવતા રવિશંકર સિંહ ‘પપ્પુ’ રાજકીય પરિવારમાંથી આવે છે. પૂર્વ પીએમ ચંદ્રશેખરનો પૌત્ર અને નીરજ શેખરનો ભત્રીજો ભાજપમાં જોડાઈ રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ગોરખપુરના સી.પી.ચંદ અને રામા નિરંજન પણ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ લોકો જાણે છે કે આજે યુપીમાં કાયદાનું શાસન છે. આજે સપા અને બસપા સિવાય બધા ભાજપ તરફ જોઈ રહ્યા છે અને ભાજપમાં જોડાઈ રહ્યા છે. ગરીબોના ઘરમાં આજે ખુશી છે. આપણને પીએમ મોદી જેવું નેતૃત્વ મળ્યું છે જે અમારા માટે ભાગ્યની વાત છે. અખિલેશ યાદવ આજે ઊંઘશે નહીં.