દિલ્હી:યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મોટો ફટકો પડ્યો છે.જયારે વિશ્વ કપના આયોજક ફિફાએ રવિવારે કતારમાં ટૂર્નામેન્ટની ફાઇનલ પહેલા વિશ્વ શાંતિનો સંદેશ આપવાના તેના અનુરોધને ઇનકાર કર્યો છે.ઝેલેન્સકી રમત પહેલા કતાર સ્ટેડિયમમાં ચાહકોને એક વીડિયો સંદેશ આપવા માંગતા હતા, પરંતુ નેગેટીવ રીપ્લાયથી તે આશ્ચર્યચકિત થઈ ગયા.જો કે, એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,યુક્રેન અને રમત ગવર્નિંગ બોડી વચ્ચે હજુ પણ વાતચીત ચાલી રહી છે.
યુક્રેનિયન રાષ્ટ્રપતિએ વારંવાર ઇઝરાયેલની સંસદ, યુએસ ધારાસભ્યો, ગ્રેમી એવોર્ડ્સ, કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને G20 સમિટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સરકારમાં અને વિશ્વ મંચ પર શાંતિ અને સહાય માટે અપીલ કરી છે. ઝેલેન્સકીએ સીન પૌલ અને ડેવિડ લેટરમેન સહિત વિવિધ પત્રકારો અને જાણીતા મનોરંજનકારોની મુલાકાત લીધી છે અને તેમની સાથે વાત કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને આ મહિને ટાઈમ મેગેઝિને ‘પર્સન ઓફ ધ યર’ તરીકે પસંદ કર્યા હતા.
ફિફા વર્લ્ડ કપની ફાઇનલને વિશ્વભરના લાખો લોકો નિહાળશે અને યુક્રેન માટે વિશ્વ સુધી પહોંચવાની અને રશિયન દળોના હુમલાઓ વચ્ચે મદદ માટે વિનંતી કરવાની સારી તક હતી, પરંતુ ઝેલેન્સકીના મિશન પર પાણી ફરી ગયું.રશિયાએ યુદ્ધની શરૂઆત પછીના તેના સૌથી મોટા હુમલાઓમાં શુક્રવારે યુક્રેન પર 70 થી વધુ મિસાઇલો છોડી હતી, જેનાથી કિવને કટોકટી બ્લેકઆઉટ લાદવાની ફરજ પડી હતી.અગાઉ, કિવે ચેતવણી આપી હતી કે મોસ્કો 2023 ની શરૂઆતમાં એક નવા ઓલઆઉટ આક્રમણની યોજના બનાવી રહ્યું છે.