Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ મુઝફ્ફરનગરમાંથી 4 ટાઈમ બોમ્બ સાથે એક આરોપીની ધરપકડ

Social Share

લખનૌઃ મુઝફ્ફરનગરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસટીએફની ટીમે ચાર ટાઈમ બોમ્બ સાથે એક શખ્સને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. STF મેરઠની ટીમે શહેરના કોતવાલી વિસ્તારના વિસ્તારમાંથી એક યુવકની ધરપકડ કરી હતી, તેની પાસેથી ચાર ટાઇમ બોમ્બ મળી આવ્યા હતા. પોલીસે આરોપીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આરોપીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સમગ્ર ઘટનામાં એક મહિલાની સંડોવણી ખુલી હોવાનું પણ જાણવા મળે છે. આરોપી ફટાકડા બનાવતા દાદા સાથે બોમ્બ બનાવતો શિખ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર STFના મેરઠ યુનિટે શુક્રવારે સવારે મુઝફ્ફરનગરના ખાલાપર વિસ્તારમાંથી આરોપી જાવેદની ધરપકડ કરી હતી, તેની પાસેથી ચાર ટાઇમ બોટલ બોમ્બ (IED) મળી આવ્યા હતી. STFની ટીમ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે. આ બોમ્બનો ઉપયોગ કોઈ આયોજનબદ્ધ કાવતરામાં થવાનો હતો તેની તપાસ શરુ કરવામાં આવી છે.

દરમિયાન આરોપી જાવેદે પૂછપરછમાં કબૂલાત કરી છે કે આ બોમ્બ ખાલાપર વિસ્તારમાં રહેતી મહિલાએ મંગાવ્યા હતા. જેથી પોલીસે મહિલાની શોધખોળ આરંભી છે. એસટીએફના એસપી બ્રિજેશ કુમાર સિંહે કહ્યું કે, આ પહેલા પણ તેણે ટાઈમ બોમ્બ બનાવ્યો હતો. આરોપીના મામા નેપાળમાં છે, તે અવાર-નવાર અહીં આવતા  હતા. પહેલા જાવેદ રેડિયો બનાવવાનું કામ પણ કરતો હતો. જાવેદના દાદા ફટાકડા બનાવવામાં સંકળાયેલા હતા. તેણે તેના દાદા પાસેથી બોમ્બ બનાવવાનું શીખ્યું હતું. આ પછી તેણે યુટ્યુબ વગેરે દ્વારા આઈઈડી બોમ્બ બનાવતા શીખ્યો હતો.આરોપીની પૂછપરછથી ઘણી વધુ માહિતી મળવાની શકયતા છે.