1. Home
  2. ગુજરાતી
  3. મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો
મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો

મહારાષ્ટ્રમાં મોટો ખેલ?: કૉંગ્રેસમાં શરદ પવારના જોડાવાની અટકળો, અનિલ દેશમુખે ભણ્યો નનૈયો

0
Social Share

મુંબઈ: પોતાના ભત્રીજા અજીત પવારને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનું ચૂંટણી ચિન્હ મળ્યા બાદ અચાનક રાજકીય રીતે નબળા થઈ ગયેલા શરદ પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ખેલ કરવા જઈ રહ્યા છે. ઝી ન્યૂઝના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કરાયો છે કે એક સમયના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓમાં સામેલ એવા શરદ પવાર પોતાની જૂની પાર્ટીમાં વાપસી કરવા જઈ રહ્યા છે. તેના માટે તેઓ એનસીપીના પોતાના જૂથનો કોંગ્રેસમાં વિલય કરવાની તૈયારીમાં છે. તેના પર આખરી ફેંસલો લેવા માટે શરદ પવારે પુણેમાં પોતાના ધારાસભ્યો અને સાંસદોની એક તાત્કાલિક બેઠક પણ બોલાવી છે. જો કે એનસીપી શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખે આવી કોઈ શક્યતાને રદિયો આપ્યો છે.

 

શરદ પવાર માટે પાછલા કેટલાક મહિનાઓ બેહદ મુશ્કેલી ભરેલા રહ્યા છે. ભારતીય રાજનીતિના ચાણક્ય ગણાતા આ મરાઠા દિગ્ગજને તેમની પાસેથી જ રાજકીય દાંવપેચ શીખનારા ભત્રીજા અજીત પવારે પછડાટ આપી છે. અજીત પવારે પહેલા એનસીપીમાં બે ફાડ કરી અને પોાના જૂથની સાથે ભાજપની સાથે હસ્તમેળાપ કર્યો અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બની ગયા. તેના પછી ફેબ્રુઆરીની શરૂઆતમાં તેમણે પાર્ટી સિમ્બલ પર પણ હક મેળવી લીધો. તેની સાથે શરદ પવાર માટે રાજકીય ભવિષ્ય દાંવ પર લાગવાની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. માનવામાં આવે છે કે અચાનક પોતાના જ દ્વારા થયેલા પ્રહારથી કમજોર થયેલા શરદ પવારે આ કારણે કોંગ્રેસમાં વાપસી કરવાની તૈયારી કરી છે. જો કે હજી સુધી શરદ પવારે આ ખબરની પુષ્ટિ કરી નથી.

 

1 મે, 1960ના રોજ રાજકીય કારકિર્દી શરૂ કરનારા શરદ પવાર હંમેશે આફતને અવસરમાં બદલનારા ચમત્કારી નેતા માનવામાં આવ્યા છે. તેમણે સૌથી પહેલા મહારાષ્ટ્રની રાજનીતિમાં ખેલ ત્યારે કર્યો હતો, જ્યારે કટોકટી બાદ કોંગ્રેસમાં બે ફાડ થઈ હતી અને તેઓ રેડ્ડી કોંગ્રેસનો છેડો પકડીને જુલાઈ-1978માં મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બની ગયા હતા. તેના પછી તેઓ સતત મહારાષ્ટ્રની રાજનીતિમાં મહત્વની ધરી બનીને રહ્યા છે. શરદ પવાર ત્રણ વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા છે. તેમણે રેડ્ડી કોંગ્રેસ છોડીને 1986માં કોંગ્રેસમાં વાપસી કરી અને 1988માં બીજી વખત મુખ્યમંત્રી બની ગયા. 1993માં તેઓ ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા હતા.

 

શરદ પવારે 1996માં મહારાષ્ટ્રની સાથે જ કેન્દ્રીય રાજનીતિમાં પણ હસ્તક્ષેપ કરવાનું શરૂ કર્યું. પી. વી. નરસિમ્હારાવની કોંગ્રેસ સરકાર બાદ એચ. ડી. દેવેગૌડા અને ઈન્દ્રકુમાર ગુજરાલની સંયુક્ત મોરચાવાળી સરકારને કોંગ્રેસના ટેકાથી બનાવવામાં શરદ પવારની ચાણક્ય નીતિ અને લાલુપ્રસાદ યાદવની જોડતોડની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. બે વખત પ્રધાનમંત્રી બનતા બનતા રહી ગયેલા શરદ પવાર ક્રિકેટની રાજનીતિમાં પણ મહત્વનો કિરદાર નિભાવી ચુક્યા છે. તેઓ લાંબો સમય સુધી બીસીસીઆઈ અને આઈસીસીના અધ્યક્ષ રહ્યા છે.

 

શરદ પવારને જ મહારાષ્ટ્રમાં ગત ત્રણ દશકથી પણ વધારે સમયથી ચાલી રહેલા ભાજપ અને શિવસેનના સંબંધો તોડવાની પટકથાના લેખક માનવામાં આવે છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુક્યમંત્રી બન્યા બાદ જ્યારે એનડીએ ગઠબંધન અને ભાજપ સાથે નાતો તોડીને એનસીપી અને કોંગ્રેસ સાથે હાથ મિલાવીને મહાવિકાસ અઘાડી ગઠબંધન બનાવ્યું હતું, તો તેને શરદ પવારે જ શક્ય બનાવ્યું હતું. એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેના અલગ થવા પર ભાજપે અજીત પવારને પોતાની તરફ લાવીને દેવેન્દ્ર ફડણવિસ સાથે સરકાર બનાવી હતી. ત્યારે ભાજપનો દાંવ નિષ્ફળ ગયો હતો. આનો શ્રેય પણ અજીત પવારને પાછા બોલાવીને શરદ પવારે જ પ્રાપ્ત કર્યો હતો. પરંતુ છેલ્લે એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવિસની સરકારમાં અજીત પવાર કાકા શરદ પવાર સામે બળવો કરીને સામેલ થયા. અહીંથી શરદ પવારના વળતાપાણી જોવા મળી રહ્યા છે.

 

જો કે શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીના કોંગ્રેસમાં વિલયની અટકળો પર તેમના વિશ્વાસુ નેતા અનિલ દેશમુખે કહ્યુ છે કે ન તો આવી કોઈ સંભાવના છે અને ન તો આવા પ્રકારની કોઈ ચર્ચા થઈ છે. અમે માત્ર એ વાત પર ચર્ચા કરી છે કે અમને જલ્દીથી એક ચૂંટણી ચિન્હ મળવું જોીએ. તેના સિવાય અન્ય કોઈ મુદ્દા પર ચર્ચા થઈ નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code