અમદાવાદઃ કોરોનાના લીધે ઉદ્યોગ-ધંધાને સારૂએવું નુકશાન થયું છે, જેમાં છેલ્લા 14 મહિનાથી શાળાઓ બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને અંદાજે રૂપિયા 2000 કરોડનો ફટકો પડ્યો છે. ઉપરાંત શિક્ષણ સાથે જોડાયેલા અન્ય વેપારીઓની કમર તોડી નાખી છે. સ્ટેશનરીના વેપારમાં મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ અને હોલસેલર્સને છેલ્લા 1 વર્ષમાં 1 હજાર કરોડ રૂ.ની ખોટ ગઇ છે. બુક સેલર અને સ્ટેશનરી એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આ ખોટ 2 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાના ત્રીજા વેવના ડરના કારણે નજીકના ભવિષ્યમાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થાય તેમ લાગતું નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો આ ખોટ બમણી થઇને 4 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. સ્થિતિ એ છે કે બુક્સ અને નોટ-ચોપડા છાપતી અનેક ફેક્ટરીઓ મહિનાઓથી બંધ છે, કેમ કે ઓર્ડર જ નથી. સ્ટેશનરી સેક્ટરમાં મંદી છતાં કાગળના ભાવ ઘટવાને બદલે વધ્યા છે. 1 વર્ષમાં કાગળના ભાવ 15 ટકા સુધી વધી ગયા છે.
સ્કૂલો બંધ હોવાથી બુક્સ, નોટ-ચોપડા, પેન-પેન્સિલ, સ્કૂલ યુનિફોર્મ તથા અન્ય સ્ટેશનરી આઇટમ્સની માગ સાવ ઘટી ગઇ છે. કોરોના પૂર્વે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સ્ટેશનરી, સ્કૂલ યુનિફોર્મ મેન્યુફેક્ચર્સ પાસે હજારો-લાખો રૂપિયાના ઓર્ડર આવતા અને તેમણે દિવસ-રાત કામ કરવું પડતું હતું. હવે તેઓ ફેક્ટરીઓ બંધ કરીને ઘેર બેઠા છે. ફેક્ટરીઓમાં તૈયાર માલ ખરાબ થઇ રહ્યો છે. વાલીઓનું કહેવું છે કે ઓનલાઇન સ્ટડીને કારણે બુક્સની જરૂર જ નથી પડતી તો શું કામ ખરીદીએ?
ગુજરાત બુક સેલર એન્ડ સ્ટેશનરી એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે એક વર્ષમાં સ્ટેશનરી વેપાર ઠપ થઇ ગયો છે. સ્ટેશનરીની કોઈ વસ્તુ વેચાઈ રહી છે. તેના કારણે સમગ્ર રાજ્યના 12,000થી વધુ સ્ટેશનરી બુક્સ રિટેલર તથા હોલસેલર માટે પરિવારનું ગુજરાન મુશ્કેલ થઇ રહ્યું છે. એક વર્ષમાં 1000 કરોડ રૂ.થી વધુ નુકસાન થયું છે.
સમગ્ર ગુજરાતમાં બુક્સ અને નોટબુક છાપતી અને સ્ટેશનરી બનાવતી આશરે 500 ફેક્ટરીને તાળાં વાગી ગયાં છે. લાંબા સમયથી બંધ હોવાથી અનેક ફેક્ટરીઓના મશીન બગડી ગયાં છે, જે વેચી દેવા પડ્યાં છે. અનેક વેપારીઓએ નુકસાનને કારણે ફેક્ટરીઓ બંધ કરી દીધી અને મશીનો અડધા ભાવે વેચી કાઢ્યાં. જેમની ભાડે ફેક્ટરીઓ હતી તેમણે કામ બંધ કરી દીધું છે.