નવી દિલ્હીઃ ક્રિકેટને જેન્ટલમેન ગેમ ગણવામાં આવે છે તેમજ દુનિયાની વિવિધ ટીમોમાં તમામ ધર્મના ખેલાડીઓ રમતા જોવા મળે છે, પરંતુ ઈસ્લામીક કટ્ટરવાદ પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશની ક્રિકેટમાં પ્રવેશ્યો હોય તેમ લાગી રહ્યું છે. સૌમ્ય સરકાર અને વિકેટકીપર લિટન દાસ નામના બે હિન્દુ ક્રિકેટરો બાંગ્લાદેશ દેશની ક્રિકેટ ટીમમાં સમાવેશ થાય છે તેમજ બંને ક્રિકેટરોએ અનેક મહત્વની મેચમાં પોતાની ટીમને જીત અપાવી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક બાળકે બાંગ્લાદેશના અનેક ખેલાડીઓને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સૌમ્ય સરકાર હિન્દુ હોવાથી તેને મળવાનો ઈન્કાર કર્યો હતો. જન્માષ્ટ્રમીના પર્વ ઉપર બંને ક્રિકેટરોએ સોશિયલ મીડિયા ઉપર શુભકામનાઓ પાઠવી હતી. તે સમયે પણ કટ્ટરવાદીઓ તેમની પોસ્ટ ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
" Soumya Sarkar is a Hindu cricketer, I don't want to meet him " . When a Bangladeshi madrasa boy is asked which Bangladeshi cricketer he would like to meet. Then the boy answered. pic.twitter.com/NGsHgt5pvS
— Voice Of Bangladeshi Hindus
(@VoiceOfHindu71) August 18, 2022
સોશિયલ મીડિયા ઉપર હાલ એક બાંગ્લાદેશી બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પત્રકાર બાળકને કેટલાક સવાલ પૂછે છે. પત્રકારે બાળકને પૂછ્યું કે કયાં ક્રિકેટરને મળવા માંગે છે ત્યારે બાળકે કહ્યું કે, મશરફે, મુસ્તફિજૂર રહમાન, તસ્કીન અહમદ અને સરીફુલ. જ્યારે પત્રકારે સૌમ્ય સરકારના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે બાળકે તેને મળવાનો ઈન્કાર કરીને કહ્યું કે, સૌમ્ય સરકાર હિન્દુ છે અને હું તેને મળવા માંગતો નથી. વોઈસ ઓફ બાંગ્લાદેશી હિન્દુ પેજ ઉપર તાજેતરમાં આ વીડિયો શેયર કરવામાં આવ્યો હતો.
આગામી દિવસોમાં એશિયા કપ ટુર્નામેન્ટ યોજાવાની છે. જેમાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પણ ભાગ લેશે. પરંતુ એશિયા કપની ટીમમાં પણ સૌમ્ય સરકાર અને લિટન દાસનો સમાવેશ કરાયો નથી. હાલ વેસ્ટઈન્ડીઝ-એ ટીમ સાથે બાંગ્લાદેશ એ ટીમ રમી રહી છે. જેમાં સૌમ્ય સરકારનો સમાવેશ કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 1947માં ભારતને આઝાદી મળી ત્યારે પાકિસ્તાન નામના દેશનો ઉદય થયો હતો. આઝાદી પહેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશ હિન્દુસ્તાનનો હિસ્સો હતો. વર્ષ 1971 પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનનો હિસ્સો હતો. પાકિસ્તાનમાં વર્ષોથી લઘુમતી હિન્દુઓ ઉપર અત્યાચારની ઘટના સામે આવે છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં પણ કટ્ટરપંથીઓ હિન્દુઓ ઉપર અત્યાચાર ગુજારતા હોવાની ઘટના બની રહી છે. અવાર-નવાર હિન્દુઓના ઘર ઉપર હુમલાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ ક્રિકેટમાં પણ કટ્ટરવાદ પહોંચતા ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે.