નવી દિલ્હીઃ બિહારના બગહામાં માનવભક્ષી વાઘે ફરી 2 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. વાઘે માતા-પુત્રને મારી નાખ્યા છે. બગહાના ગોવર્ધન પોલીસ સ્ટેશનના બલુઆ ગામમાં વાલ્મિકી ટાઈગર રિઝર્વનો છે. મૃતકોની ઓળખ બલુઆ ગામના બહાદુર યાદવની પત્ની સિમરકી દેવી અને તેમના સાત વર્ષના પુત્ર શિવમ કુમાર તરીકે થઈ છે. આ ઘટના બાદ ગામના લોકો શેરડીના ખેતરમાં વાઘને શોધી રહ્યા છે. વાઘે અત્યાર સુધીમાં 9 લોકોને મારી નાખ્યા છે. છેલ્લા 48 કલાકમાં વાઘે 4 લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. બલુઆ આસપાસના માનવભક્ષી વાધને કારણે લોકોમાં ભય ફેલાયો છે. બીજી તરફ તંત્ર દ્વારા વાઘને પાંજરે પુરવાની કવાયત શરૂ કરી છે.
બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહાના લોકોમાં વાઘના કારણે ભય ફેલાયો છે. લગભગ એક ડઝન ગામના લોકો પહેલાથી જ ગભરાટના કારણે ખેતરોમાં જતા ન હતા. દરમિયાન સિંઘહી ગામમાં પોતાના ઘરમાં સૂઈ રહેલી 12 વર્ષની બાળકીને પણ બુધવારે રાત્રે વાઘે મારી નાખી હતી. આ ઘટના બાદ લોકો હવે ઘરમાં રહેતા પણ ડરી રહ્યા છે. જો કે છેલ્લા 26 દિવસથી વન વિભાગની ટીમ વાઘને શોધવામાં વ્યસ્ત છે.
વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગોવધર્ના વિસ્તારના સિંઘહી ગામમાં રાત્રે અચાનક વાઘે દસ્તક આપી હતી અને રમાકાંત માંઝીના ઘરમાં વાઘ ઘુસ્યો હતો. તેમજ શ્રમજીવી પરિવારની પુત્રીને ઉઠાવી ગયો હતો.જ્યારે બાળકીએ જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કરતા લોકો સ્થળ ઉપર દોડી ગયા હતા. વાઘ બાળકીના મૃતદેહને મુકીને ફરાર થઈ ગયો હતો. વાલ્મિકી નગર ટાઈગર રિઝર્વના એરિયા ડિરેક્ટર નેશામણીએ ણાવ્યું હતું કે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વાઘ અગાઉ ખેતરોમાં કામ કરતા લોકોને નિશાન બનાવતો હતો, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેણે ઘર પર હુમલો કર્યો છે.
નિષ્ણાતોએ કહ્યું કે માનવભક્ષી વાઘ ખૂબ જ ચતુર અને ચપળ હોય છે. તે દર બે થી ત્રણ કલાકે સ્થાન બદલે છે. અમે હરિહરપુર ગામમાં જાળ બિછાવી છે. જ્યારે બકરી પાંજરાની અંદર હતી ત્યારે તે આવી ન હતી. અમે તેને પાંજરાની બહાર બાંધતા જ તેણે આવીને હુમલો કરી તેની હત્યા કરી નાખી હતી. વાઘ બુધવારે સવારે ચિહુતાહા વન વિસ્તાર અથવા વીટીઆરમાં સ્થિત હતો અને ગુરુવારે સવારે મસાન નદી પાર કરીને નેપાળ બોર્ડર પર રઘિયા જંગલ વિસ્તારમાં પહોંચ્યો હતો. વાઘની હલનચલનમાં વારંવાર ફેરફાર થવાને કારણે થોડી સમસ્યા થાય છે.