Site icon Revoi.in

બિહારઃ ભારતીય સરહદ પાસેથી ઘુસણખોરીનો પ્રયાસ કરતો ચીની નાગરિક ઝબ્બે

Social Share

દિલ્હીઃ બિહારના મધુબનીના માધવાપુર બ્લોકમાં સશસ્ત્ર સીમા દળએ 39 વર્ષિય ચીની નાગરિકને ભારત-નેપાળ સરહદ પર ભારતમાં પ્રવેશ કરતાની સાથે ઝડપી લીધો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ ચીનના દક્ષિણી તટ પરના ફુજિયાન પ્રાંતના જીઉ જિયાંગ શી તરીકે થઈ છે. એસએસબી અધિકારીઓની પૂછપરછ બાદ આરોપીને પોલીસના હવાલે કરાયો હતો.

માધવાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતમાં ઘુસણખોરીની કોશિષ કરતા ચીની નાગરિકની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારત-નેપાળ સરહદ પર પિલર નંબર 295/2 માધવાપુરથી ગાંધી ચોક નજીકથી આ ચીની નાગરિકને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી પાસેથી ભારતમાં આવવાના કોઈ સત્તાવાર દસ્તાવેજ મળી આવ્યાં નથી. ગુપ્તચર એજન્સીના અધિકારીઓએ પણ તેની પૂછપરછ કરી હતી. આરોપી પાસેથી મોબાઈલ ફોન અને નેપાળના વિઝા સહિત અન્ય કેટલાક દસ્તાવેજ મળ્યાં છે. આ અંગે વિદેશ મંત્રાલયને પણ જાણ કરવામાં આવી છે.

એસએસબીએ પશ્ચિમ બંગાળના સિલીગુડી નજીક ભારત-નેપાળ પાનીટંકી સરહદ નજીકથી બે ચાઈનીઝ નાગરિકોની અટકાયત કરી હતી. આ પહેલા ચીનના હુબેઈના 36 વર્ષિય ચીની નાગરિક હાન જુનવેને બીએસએફએ ધરપકડ કરી હતી. આ શખ્સ જૂનમાં માલદા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદથી ઘુસણખોરીનો પ્રયાસ કરતો હતો. આર્થિક છેતરપીંડી માટે છેલ્લા બે વર્ષમાં ચીનમાં ઓછામાં ઓછા 1300 જેટલા ભારતી મોબાઈલ ફોન સીમકાર્ડની તસ્કરી કરી હોવાનું ખૂલ્યું હતું.