બિહારઃ રાષ્ટ્રીયકૃત બેંકમાં બુકાનીધારી લૂંટારૂઓએ કર્મચારીઓને બંધક બનાવી રૂ. 37 લાખની લૂંટ ચલાવી
નવી દિલ્હી : બિહારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન આજે રાષ્ટ્રીયકૃત બેંકની શાખા ખુલતાની સાથે જ હથિયારધારી બદમાશો પહોંચી ગયા હતા. બેંકમાં હાજર કર્મચારીઓ કંઈ પણ સમજે તે પહેલા લૂંટારૂઓએ હથિયારની મદદથી ધોળે દિવસે રૂ. 37 લાખ લૂંટ કરી હતી. લૂંટારૂઓએ બેંક મેનેજર સહિતના સ્ટાફ અને ગ્રાહકોને બાનમાં લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અરરિયા બસ સ્ટેન્ડ રોડ પર આવેલી રાષ્ટ્રીયકૃત બેંકની શાખા ખુલતાની સાથે જ કેટલાક બુકાનીધારી શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘુસી ગયા હતા. તેમજ રૂ. 37 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ દરમિયાન ગુનેગારોએ મેનેજર સહિત તમામ સ્ટાફ, બેંકમાં આવેલા ગ્રાહકોને બંધક બનાવ્યા હતા. લૂંટારૂઓએ બેંકના ગાર્ડની બંદૂક તોડી અને પછી કેશિયર પાસેથી ચાવી લીધી હતી તેમજ તિજોરી ખોલતા જ તેમાં રાખેલા રૂ. 37 લાખ લૂંટીને ફરાર થઈ ગયા. લૂંટારૂઓ બેંકમાં લાગેલા સીસીટીવીનું ડીવીઆર પણ ખોલીને પોતાની સાથે લઈ ગયા હતા. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ લૂંટારૂઓને ઝડપી લેવા માટે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી હતી. ધોળા દિવસે લાખોની લૂંટની ઘટનાને પગલે પોલીસની કામગીરી અંગે સવાલો ઉભા થયાં છે.
એસપી અશોક કુમાર સિંહે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે. પોલીસ દ્વારા લૂંટની ઘટનાનો ભેદ ઉકેલીને ઝડપથી ઝડપી લેવામાં આવશે.