બિહાર: JDU નેતાની ગોળી મારી હત્યા, સમર્થકોએ રસ્તો બ્લોક કરી વિરોધ નોંધાવ્યો
પટનાઃ પટનાના પુનપુનમાં જનતા દળ યુનાઈટેડ (JDU)ના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પટના-ગયા રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસ હજુ સુધી હત્યારાઓની ઓળખ કરી શકી નથી. સૌરભકુમાર મિત્રો અને પરિવાર સાથે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે મોટરસાઈકલ ઉપર આવેલા ચારેક શખ્સોએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સૌરભ કુમાર પોતાના મિત્રો સાથે લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે આવ્યો હતો. ત્યાંથી પરત ફરતી વખતે અજાણ્યા બદમાશોએ તેમને ગોળી મારી દીધી હતી. જેથી તેમને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવમાં મુનમુન કુમાર નામની વ્યક્તિને પણ ઈજા થઈ હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સૌરભ કુમારનું મોત થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, જીવલેણ હુમલામાં JDU નેતા સૌરભ કુમારને માથા અને ગળામાં ગોળી વાગી હતી. ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરો સુધી પહોંચવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે. એસપી ભરત સોનીએ કહ્યું કે, તેઓ રાજકારણ અને વ્યાપારી સંબંધો સહિત તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે.
સૌરભ કુમાર પર હુમલા બાદ જનતા દળ યુનાઈટેડના નારાજ સમર્થકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. JDU કાર્યકર્તાઓએ હત્યા કેસમાં પ્રશાસન પાસેથી કડક અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે, પોલીસે હત્યારાઓને વહેલી તકે પકડીને આ કેસનો પર્દાફાશ કરવો જોઈએ.