દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને નાથવા માટે એકમાત્ર રામબાણ વેક્સિન છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. હાલ 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેમજ બાળકોની રસી માટે પણ ટ્રાયલ ચાલી રહી છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં બાળકોની કોરોના રસી ઉપલબ્ધ થવાની શકયતા છે. દરમિયાન બિહાર વિધાનસભામાં કોરોનાની રસી નહીં લેનારા ધારાસભ્યને પ્રવેશ નહીં આપવાનો વિધાનસભાના અધ્યક્ષ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસુ સત્ર પહેલા કોરોનાની રસી લેવા માટે અધ્યક્ષ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
બિહાર વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે હવેથી બિહાર વિધાનસભામાં હવે તે જ ધારાસભ્યોને પ્રવેશ મળશે જેમણે કોરોના વેક્સિનનો ડોઝ લીધો હોય. બિહારમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે જે ધારાસભ્યોએ વેક્સિનના ડોઝ નહિ લીધા હોય તેઓને પ્રવેશ નહિ મળે. તેમજ અધ્યક્ષ વિજય કુમાર સિન્હાએ ધારાસભ્યોને કોરોનાની રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીમાં કોરોનાની રસીકરણનો આરંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ ફ્ન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યાર બાદ 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરાઈ હતી. હાલ સમગ્ર દેશમાં 18 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેમજ રસીનું ઉત્પાદન વધારવા માટે પણ સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા જ મોટાપાયે કોરોના રસીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે.