- વિશેષ અદાલતમાં એનઆઈએ ફાઈલ કરી ચાર્જશીટ
- માઓવાદી પ્રવૃતિ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું
પટના: દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને ડામવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન એનઆઈએ દ્વારા પટનાની વિશેષ અદાલતમાં મુખ્ય માઓવાદી નેતાની સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. વિનોદ મુશ્રા નામના આરોપી દ્વારા પ્રતિબંધિત માઓવાદી સંગઠનને ફરીથી બેઠુ કરવા પ્રયાસો કર્યો હતો. જો કે, સંગઠનને ફરીથી બેઠું કરે તે પહેલા જ સુરક્ષા એજેન્સીઓએ તેને ઝડપી લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ રાજ્યના મગધ ક્ષેત્રમાં પ્રતિબંધિત સંગઠન ભાકપા(માઓવાદી) ના પુનરુત્થાન સાથે સંબંધિત મોટા ષડયંત્રનો ભાગ હોવા બદલ એક અગ્રણી નક્સલવાદી નેતા સામે ચાર્જશીટ દાખલ કરી છે. ભાકપા (માઓવાદી) પોલિટબ્યુરોના સભ્ય અને ઉત્તર પ્રદેશના બ્યુરો ચીફ પ્રમોદ મિશ્રાના નજીકના સહયોગી વિનોદ મિશ્રા ઉર્ફે બિનોદ કુમાર મિશ્રાનું નામ વિશેષ NIA કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યું છે.
NIA દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી વિનોદ મિશ્રાએ મગધ પ્રદેશ (બિહારના ગયા અને ઔરંગાબાદ પ્રદેશ)માં પ્રતિબંધિત સંગઠનને પુનર્જીવિત કરવામાં મદદ કરી હતી.
આ મામલો 10 ઓગસ્ટ, 2023ના રોજ ભાકપા (માઓવાદી)ના બે ટોચના નેતાઓની ધરપકડ સાથે સંબંધિત છે. કેસ નોંધાયા બાદથી ધરપકડથી બચી રહેલા વિનોદ મિશ્રાની 20 માર્ચ 2024ના રોજ ઝારખંડના ધનબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓએ અન્ય નક્સલવાદી-માઓવાદીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે.