બિહારઃ પોલીસે મૃત્યુનો પણ મલાજો ના જાળવ્યો અને કેદીના મૃતદેહને હાથકડી પહેરાવાઈ !
લખનૌઃ બિહારના હાજીપુરમાં જેલ તંત્રની અમાનવીય અને શર્મનાક ઘટના સામે આવી છે. જેલમાં કેદીનું મોત થયું હોવા છતા જેલ તંત્રએ મૃતક કેદીના હાથમાં હાથકડી બાંધીને હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે હાજીપુર જેલ તંત્રની પોલ ખોલતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ જેલતંત્ર સમગ્ર ઘટનામાં પોતાનો લૂલો બચાવ કરી રહ્યું છે. જેલતંત્રએ મૃત્યુનો પણ મલાજો ના જાળવ્યો હોવાનું ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હાજીપુર જેલમાં એક કેદીનું મોત થયું હતું. બપોરના 3 કલાકે હાજીપુર જેલ તંત્ર એક કેદીને લઈને હોસ્પિટલ પહોંચ્યું હતું. મનાઈ રહ્યું છે કે, લાલગંજ પોલીસે એક કેસમાં પકડાયેલો કેદી બીમાર હતો. જેમાં મોત થયું હતું. લાલગંજના રાજકિશોર નામના એક સિનિયર સિટીજને ચાર દિવસ પહેલા જ જેલમાં લવાયાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. જો કે, પોતાની નિષ્ફળતા અને બેદરકારીને ચુપાવવા માટે જેલ તંત્રએ કેદીને બીમાર બતાવીને તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. જેલ તંત્રએ જિલ્લાના અધિકારીએને પણ બીમાર કેદી અંગે જાણ કરી હતી. તેમજ પરિવારજનોને પણ ચિઠ્ઠી લખીને જાણ કરાઈ હતી. જ્યારે પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યાં ત્યારે કેદીનું મોત થયું હતું. જેલ તંત્રએ પરિવારજનોને કહ્યું હતું કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જો કે, હોસ્પિટલ તંત્રએ જેલ તંત્રની પોલ ખોલી નાખી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર પરિવારજનો જ્યારે હોસ્પિટલ પહોંચ્યાં ત્યારે મૃત્યુ અંગે સવાલ કર્યાં હતા. જ્યારે ફરજ પર હાજર તબીબે કહ્યું હતું કે, દર્દીને હોસ્પિટલ લવાયો તે પહેલા જ તેનું મોત થયું હતું. તેની હોસ્પિટલમાં સારવાર થઈ નથી. આમ જેલમાં કેદીના થયેલા મોત અંગે જેલતંત્રની બેદરકારી સામે આવી છે. જેલ તંત્રએ આરોપીને જીવતો બતાવવાની સાથે તેના મૃતદેહને હાથકડી પણ પહેરાવીને હોસ્પિટલ મોકલ્યો હતો. એટલું જ નહીં દર્દી બીમાર હોવાનું જણાવીને સારવારનું નાટક કર્યાના આક્ષેપ થઈ રહ્યાં છે. આ બનાવને પગલે મૃતકના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. બીજી તરફ તંત્રએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને ન્યાયીક તપાસનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.