Site icon Revoi.in

બિહારઃ સરકારી એન્જિનિયરના નિવાસ સ્થાન સહિતના સ્થળો ઉપર દરોડા, 5 કરોડની રોકડ મળી

Social Share

પટનાઃ બિહારમાં સીબીઆઈ અને ઈડીના દરોડાની કાર્યવાહી બાદ હવે વિજિલન્સ ટીમે લાંચિયા સરકારી બાબુના નિવાસ સ્થળ અને ઓફિસ ઉપર દરોડા પાડ્યાં હતા. ગ્રામીણ વિકાસ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અંગત સહાયક તથા અન્ય એક વ્યક્તિના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન રૂ. 5 કરોડની કેશ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે વિજિલન્સની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારમાં વિજિલન્સે ગ્રામીણ વિકાસ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરના નિવાસસ્થાન સહિતના સ્થળો ઉપર દરોડો પાડીને રૂ. 5 કરોડથી વધુની રોકડ જપ્ત કરી છે. એન્જિનિયર સંજય કુમાર રાયના પટનામાં 2 અને કિશનગંજમાં 3 સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે. પટનાના સ્થળો પરથી 1.25 કરોડ અને કિશનગંજમાંથી 4 કરોડ રૂપિયા રોકડા મળી હતી. બંને જગ્યાએ રોકડની ગણતરી માટે મશીન મંગાવવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન પાંચ કરોડની રોકડ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર વિજિલન્સની બે ટીમોએ શનિવારે પટના અને કિશનગંજમાં એક સાથે દરોડા પાડ્યા હતા. કિશનગંજમાં, 13 સભ્યોની ટીમે સંજય કુમાર રાયના રૂઈદશા, તેમના અંગત સહાયક ઓમ પ્રકાશ યાદવના લાઇનપારા અને કાર્યાલયના કેશિયર ખુર્રમ સુલતાનના લાઇનપરામાં આવેલા ઘર પર દરોડા પાડ્યા હતા.

કિશનગંજમાં સંજય કુમારના પીએ ઓમપ્રકાશ યાદવના ઘરેથી લગભગ 3 કરોડની રોકડ અને કેશિયરના ઘરેથી લગભગ એક કરોડની રોકડ મળી આવી છે. ઓમ પ્રકાશ યાદવને સંજય કુમાર રાયે પોતાના ખર્ચે રાખ્યો હતો. એવું કહેવાય છે કે તે તેના પીએ અને કેશિયર દ્વારા રોકડની ઉઘરાણી કરતો હતો.