બિહારઃ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીના પરિવારજનોને રૂ. 4 લાખની સહાયની જાહેરાત
પટનાઃ કોરોના સંક્રમણના પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોના મોત થયાં છે. બિહારમાં કોરોના મહામારીથી લગભગ 9600 વ્યક્તિઓના મૃત્યુ થવાનું જાણવા મળે છે. દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો માટે રૂ. ચાર લાખની સહાયની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં માત્ર બિહારમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને રૂ. 4 લાખનું વળતર આપવામાં આવી રહ્યું છે. તેમજ કેન્દ્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા બાદ આ રકમ વધીને 4.5 લાખ રૂપિયા થઈ ગઈ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ, સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે બિહાર સરકારે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના આશ્રિતોને દેશભરમાં સૌથી વધુ અને સૌથી મોટી મદદ આપી છે. નીતીશ સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી દરેક મૃતકના આશ્રિતોને રૂ. 4 લાખની રકમ આપી. દેશમાં કોઈપણ સરકારે આટલી મોટી રકમ મદદ કરી નથી. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પચાસ હજાર પણ તેની સાથે આપવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે પહેલા ચાર લાખ રૂપિયા આપવાના હતા. પરંતુ હવે સરકાર દ્વારા સાડા ચાર લાખ રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. 8,848 લોકોને સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને SDRF ફંડ દ્વારા લગભગ રૂ. 40 કરોડ ચૂકવવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 3727 કરોડ મળ્યા છે.
તેમણે કહ્યું કે વર્તમાન નિયમ મુજબ બિહારમાં મૃત્યુ પામેલા લોકોને જ બિહાર સરકાર આ રકમ આપશે. નિયમ પ્રમાણે, જે રાજ્યમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે, તે રાજ્યમાંથી ચૂકવણી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં લગભગ રૂ. 400 કરોડની રકમ આપવામાં આવી છે. બાકીના લોકોને સીધા તેમના ખાતામાં પૈસા મોકલવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બિહારમાં કોરોનાથી મૃત્યુઆંક 9,600 છે, જેમાંથી 8448 લોકોના આશ્રિતોને ચૂકવણી કરવામાં આવી છે.
(PHOTO-FILE)