પટનાઃ છપરાના ગડખા પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીરાજપુર ગામમાં સ્થિત મદરેસામાં અચાનક બ્લાસ્ટ થયો હતો. જેમાં મદરેસાના મૌલાના અને તેનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા હતા. બ્લાસ્ટના પડઘાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ બંનેને સદર હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. જે બાદ તેમને વધુ સારવાર અર્થે પટનાના પીએમસીએચમાં ખસેડવામાં આવ્યાં હતા. બંને એક જ મદરેસામાં રહેતા હતા. તેમની ઓળખ મૌલાના ઈમામુદ્દીન અને 15 વર્ષીય નૂર આલમ તરીકે થઈ છે, સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મદરેસામાં ભણતો નૂર આલમ મદરેસાની પાછળ હાથમાં બોલ જેવો બોમ્બ લઈને અંદર આવ્યો હતો. જે બાદ તેના હાથમાં બોમ્બ જોઈને મૌલાતાને તેને ફેંકવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન બોમ્બ ફુટતા બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. આ બોમ્બ ક્યાંથી અને કેવી રીતે આવ્યો તેને લઈને પોલીસે આગવી ઢબે તપાસ શરુ કરી છે.
રાત્રે બનેલી ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ બોમ્બ વિસ્ફોટની પુષ્ટિ સારણના પોલીસ અધિક્ષક ડો. ગૌરવ મંગલાએ કરી છે. આ મામલે ગડખા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ શશિ રંજને જણાવ્યું કે મોતીરાજપુર ગામમાં સ્થિત મદરેસા સંકુલમાં બોમ્બ વિસ્ફોટની માહિતી મળી હતી. જેમાં મદરેસાના 40 વર્ષીય મૌલાના ઈમામુદ્દીન અને 15 વર્ષીય નૂર આલમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો બંને ઘાયલોને ખાનગી હોસ્પિટલમાંથી પીએમસીએચમાં રીફર કરવામાં આવ્યા છે.